અમેરિકામાં રહેતો ૧૬ વર્ષનો હૅન્ક નામનો ગધેડો એના કાનની લંબાઈને કારણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવી ચૂક્યો છે. જેનિફર નામની મહિલાનો આ પાળેલો ગધેડો છે. હૅન્કના કાનની લંબાઈ ૧૭.૧૨ ઇંચની છે.
આ ગધેડાના છે સૌથી લાંબા કાન
અમેરિકામાં રહેતો ૧૬ વર્ષનો હૅન્ક નામનો ગધેડો એના કાનની લંબાઈને કારણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવી ચૂક્યો છે. જેનિફર નામની મહિલાનો આ પાળેલો ગધેડો છે. હૅન્કના કાનની લંબાઈ ૧૭.૧૨ ઇંચની છે. આ લંબાઈ પાછલા રેકૉર્ડ-હોલ્ડર કરતાં લગભગ ૧.૫ ઇંચ જેટલી વધુ છે. આ ખ્યાતિ મેળવ્યા પછી જેનિફરબહેન હૅન્ક પર ખૂબ ઓળઘોઈ થઈ ગયાં છે. હૅન્ક ૧૬ વર્ષનો છે, પરંતુ જેનિફર સાથે માત્ર છેલ્લાં પાંચ વર્ષથી જ છે. જ્યારે જેનિફર ગધેડો ખરીદવા માટે એના માર્કેટમાં ગયેલી ત્યારે તેની સામે પાંચેક ગધેડા ઊભા રાખવામાં આવ્યા હતા. જેનિફરનું કહેવું છે કે ‘હું જ્યારે બધા ડૉન્કીને દૂરથી ઑબ્ઝર્વ કરી રહી હતી ત્યારે હૅન્ક સામે ચાલીને મારી પાસે આવ્યો હતો અને મને તેના કાન ઘસવા લાગ્યો હતો. એ મારી આગળ-પાછળ જ ફરતો રહ્યો. મને પણ એનું મળતાવડું વર્તન ગમ્યું અને મેં એને ખરીદી લીધો. હૅન્કને મેં પસંદ કર્યો હતો એવું નહોતું, એણે મને પસંદ કરી હતી.’
એ વખતે જેનિફરને ખબર નહોતી કે આ હૅન્કને કારણે તેને વિશ્વભરમાં ખ્યાતિ મળશે. હૅન્ક ખૂબ જ ચંચળ છે. તેને ઑબ્સ્ટેકલ કૉમ્પિટિશન બહુ ગમે છે. જેનિફર એને ડૉન્કીઓની રેસમાં જ્યાં પણ લઈ જતી ત્યાં લોકો એના કાન જોઈને બહુ ચકિત થઈ જતા હતા. એ પછી જેનિફરે તપાસ કરી કે શું ખરેખર તેના હૅન્કના કાન લાંબા છે? પ્રાણી-નિષ્ણાતને કન્સલ્ટ કરતાં એવી સંભાવનાઓ ઉજ્જવળ લાગતાં તેણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સનો સંપર્ક કર્યો હતો અને હવે હૅન્ક અને જેનિફર બન્ને ફેમસ થઈ ગયા છે.
