આ અનોખાં લગ્નનો ઉત્સવ છે જેમાં પરણેલા પુરુષો પોતાનું મોઢું ઢાંકીને નાચે છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
છેલ્લા થોડા દિવસથી સોશ્યલ મીડિયામાં હિમાચલ પ્રદેશનો એક તહેવાર ખૂબ ચર્ચામાં છે. એમાં કેટલાક પુરુષો ચહેરા પર જ્વેલરી પહેરી હોય એવા ચળકતા મુખવટા પહેરીને ફરે છે તો કેટલાક પુરુષો કપડાથી ચહેરો છુપાવીને નાચે છે. આ અનોખાં લગ્નનો ઉત્સવ છે જેમાં પરણેલા પુરુષો પોતાનું મોઢું ઢાંકીને નાચે છે. આ ઉત્સવ રૌલા સોણી તરીકે ઓળખાય છે.

ADVERTISEMENT
કહેવાય છે કે જ્યારે ઠંડીની શરૂઆત થાય છે ત્યારે ઊંચા પહાડોમાંથી પરીઓ નીચેનાં ગામડાંઓમાં આવે છે. શિયાળાના દિવસોમાં આ પરીઓ ગામની રક્ષા કરે છે અને જેવી ઠંડી જાય એની સાથે પરીઓ પણ પાછી ઊંચા પહાડી વિસ્તારોમાં જતી રહે છે. જોકે આ સોણી પરીઓના આગમનને સ્થાનિક લોકો મજાના ઉત્સવ તરીકે ઊજવે છે. એમાં બે પુરુષો લગ્ન કરે છે. હા, આ સાચુકલાં લગ્ન નથી હોતાં. તેઓ જસ્ટ દુલ્હા-દુલ્હનનો વેશ ધારણ કરે છે. દુલ્હાને રૌલા કહેવાય અને દુલ્હનને રૌલાણે. દુલ્હા-દુલ્હન બન્ને ઊનનાં કપડાં પહેરે છે અને ચહેરો ઢાંકી દે છે. હાથમાં પણ મોંજાં પહેરી લે છે. જે પુરુષ દુલ્હન બને છે તે આભૂષણ પહેરે છે. આભૂષણો હાથ-પગ ઉપરાંત મોઢા પરના મુખવટામાં પણ હોય છે. આ જોડું કિન્નોર ગામમાં આવેલા નાગિન નારાયણ મંદિરમાં જાય છે અને આવા વેશ સાથે પૂજા કરીને પારંપરિક નૃત્ય કરે છે. જે પુરુષોએ આ વેશ ધારણ કર્યો હોય છે તેઓ ગામના લોકોને આશીર્વાદ આપે છે.


