બસ-ડ્રાઇવરને પોતાના કામ અને સ્ટેટ બસ સર્વિસ માટે એટલો પ્રેમ હતો કે તેણે પોતાના ઘરમાં પણ એનું પ્રતીક ચણી નાખ્યું
શ્રીધર ૨૦૧૬થી HRTCમાં બસ-ડ્રાઇવર છે
કહેવાય છે કે માણસ જ્યારે પોતાના કામને પ્રેમ કરવા લાગે એ પછી તેના માટે એ નોકરી નહીં પણ જીવન બની જાય છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના સિહુન્તા ગામમાં રહેતા શ્રીધર નામના એક બસ-ડ્રાઇવરને પોતાના કામ અને સ્ટેટ બસ સર્વિસ માટે એટલો પ્રેમ હતો કે તેણે પોતાના ઘરમાં પણ એનું પ્રતીક ચણી નાખ્યું. હિમાચલ પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (HRTC)ની બસનું એક હૂબહૂ મૉડલ શ્રીધરે પોતાના ઘરની છત પર બનાવ્યું છે. તેણે લાકડી અને ટિનની મદદથી HRTCનું મૉડલ તૈયાર કર્યું છે જે અસલી સરકારી બસ જેવું જ દેખાય છે. શ્રીધરનું કહેવું છે કે આ ઢાંચો માત્ર લાકડી-લોખંડનો જ નથી, એ મારા પૅશન અને આત્મસન્માનનું પ્રતીક છે. મને જ્યારે પણ છુટ્ટી મળે છે ત્યારે મોટા ભાગનો સમય હું છત પર બનેલા આ બસના ઢાંચાની અંદર જ ગાળું છું. અહીં જ ખાઉં છું અને અહીં જ રહું છું. શ્રીધર ૨૦૧૬થી HRTCમાં બસ-ડ્રાઇવર છે. તેની મોટા ભાગની ડ્યુટી ધરમશાલા-ભરમોરની વચ્ચે હોય છે એટલે તેને બસ પર પણ એ જ રૂટ લખાવ્યો છે.


