હાથીએ કોઈ માણસને નુકસાન નહોતું પહોંચાડ્યું. વનવિભાગના નિષ્ણાતોએ ધીમે-ધીમે હાથીને દોરીને ગામની બહાર કાઢી નાખ્યો હતો
હાથીભાઈ ગ્રૉસરી સ્ટોરમાં ઘૂસી જ ગયા
હાથીને ભૂખ લાગે તો એ ભયંકર ઉત્પાત મચાવી શકે છે. જોકે થાઇલૅન્ડમાં એક જંગલી હાથીને ભૂખ લાગી તો એ જંગલ છોડીને નજીકના ગામમાં આવેલી કરિયાણાની દુકાનમાં ઘૂસી ગયો હતો. થાઇલૅન્ડના આ ગામની સીમને અડીને આવેલા જંગલમાં અનેક હાથીઓ રહે છે અને અવારનવાર ભૂખ લાગે ત્યારે ગામમાં ઘૂસી આવે છે. જોકે આ વખતે તો હાથીભાઈએ હદ કરી નાખી. ન પોતાનું કદ જોયું, ન કરિયાણાની દુકાનની છતની હાઇટ. બસ, ખાવાની સુગંધ જોઈને હાથીભાઈ ગ્રૉસરી સ્ટોરમાં ઘૂસી જ ગયા અને જે ખાવાનો સામાન નહોતો એને વેરવિખેર કરી નાખ્યો અને ખાવાનું જે મળ્યું એ ચટ કરી લીધું. હાથીને અંદર ઘૂસેલો જોઈને દુકાનદાર અને ગ્રાહકો બધા જ ડરીને દુકાન છોડીને બહાર ભાગી ગયા. લોકોએ વનવિભાગની ટીમને જાણ કરતાં તરત જ નિષ્ણાતોની ટીમ આવી પહોંચી હતી. હાથીએ કોઈ માણસને નુકસાન નહોતું પહોંચાડ્યું. વનવિભાગના નિષ્ણાતોએ ધીમે-ધીમે હાથીને દોરીને ગામની બહાર કાઢી નાખ્યો હતો.

