દોઢ મહિનાના બાળકના હાથમાં લગાવેલું ઇન્ટ્રાવિનસ કૅથેટર બદલવા જતાં નર્સે ભૂલથી બાળકની આંગળી જ કાપી નાખી હતી
પ્રતીકાત્મક તસવીર
ઇન્દોરની મહાત્મા ગાંધી મેમોરિયલ ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજની એક નર્સે ગંભીર લાપરવાહી બતાવીને નવજાત બાળકનો અંગૂઠો કાપી નાખ્યો હતો. સરકારી હૉસ્પિટલના ચેસ્ટ વૉર્ડમાં ભરતી થયેલા દોઢ મહિનાના બાળકના હાથમાં લગાવેલું ઇન્ટ્રાવિનસ કૅથેટર બદલવા જતાં નર્સે ભૂલથી બાળકની આંગળી જ કાપી નાખી હતી. બાળકની માએ ફરિયાદમાં કહ્યું હતું કે ‘મારા બાળકને ન્યુમોનિયાને કારણે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યું હતું. તેને હાથમાં જે ઇન્ટ્રાવિનસ કૅથેટર લગાવેલું હતું એને કારણે હાથ બહુ સૂજી ગયો હતો. સોજો વધી જતાં અમે નર્સને બોલાવી. રાતના સમયે બે વાર બોલાવવા છતાં નર્સ ન આવી એટલે અમે ત્રીજી વાર ભાર દઈને બોલાવી. એ પછી હાથ પરના સોજાને કારણે કૅથેટર કાઢી નાખવા માટે નર્સે કાતર લીધી. એ કાતરથી તેણે કૅથેટર સાથે જોડાયેલી ટેપ કાપવાની હતી, પણ તેણે હાથ પકડીને ટેપને બદલે આંગળી જ કાપી નાખી.’ આંગળી કપાઈને છૂટી પડી જતાં બાળકની ચીસ નીકળી અને વૉર્ડના ડૉક્ટરોમાં દોડાદોડ થઈ ગઈ. બાળકની આંગળીનો ટુકડો લઈને તરત જ તેને ઇમર્જન્સીમાં સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં મોકલીને સર્જરી કરવામાં આવી જ્યાં કપાયેલો ટુકડો ફરી જોડવામાં આવ્યો હતો.


