કંપનીનું કહેવું હતું કે એને રિપેર કરવા માટે જરૂરી પુરજાઓ તેમની પાસે નથી, જો બૅટરીને બૅન્ગલોરમાં રિપેર કરવા મોકલીશું તો એમાં પણ બેથી ત્રણ મહિના લાગશે
વારંવાર બગડી જતા ઇલેક્ટ્રિક સ્કૂટરથી કંટાળી માલિકે ૭ ફુટ ઊંડા ખાડામાં સમાધિ આપી
જોધપુરમાં એક માણસે પોતાના ખખડધજ થઈ ગયેલા ઇલેક્ટ્રિક સ્કૂટરથી કંટાળીને એને દફનાવી દીધું હતું. તેણે આ ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો, જેનાથી લોકોમાં જબરી ચર્ચા શરૂ થઈ છે.
વાત એમ હતી કે ભાઈએ પ્રકૃતિને બચાવવાના હેતુથી સાદા સ્કૂટરને બદલે ઈ-સ્કૂટર લેવાનું નક્કી કર્યું હતું. જોકે એ સ્કૂટર જસ્ટ ૧૭૨૬ કિલોમીટર ચાલ્યું હશે અને પછી રોજ બગડવા લાગ્યું. પહેલાં તો તેણે કંપનીમાં જ સર્વિસિંગ માટે વાહન મોકલાવ્યું. ત્યાંથી પાછા આવ્યા પછી પણ વાહનની કન્ડિશનમાં ખાસ સુધારો ન થયો. સર્વિસ સેન્ટર પર અનેક ચક્કર લગાવ્યા પછી મહિનાઓ સુધી સ્કૂટર સેન્ટરમાં રિપેર થવા માટે પડી રહ્યું. એ પછી પણ એ બરાબર ચાલી નહોતું રહ્યું. કંપનીનું કહેવું હતું કે એને રિપેર કરવા માટે જરૂરી પુરજાઓ તેમની પાસે નથી, જો બૅટરીને બૅન્ગલોરમાં રિપેર કરવા મોકલીશું તો એમાં પણ બેથી ત્રણ મહિના લાગશે. એ પછી પણ આ સ્કૂટર કેટલું ચાલશે એની કોઈ ચોક્કસ ગૅરન્ટી કંપની તરફથી મળતી ન હોવાથી આખરે કંટાળીને ભાઈએ પોતાનો અનોખો વિરોધ વ્યક્ત કરવાનું નક્કી કર્યું. જાહેરમાં સ્કૂટર બાળીને કે એને ગધેડા-બળદ સાથે ફેરવવાને બદલે તેણે શાંતિપૂર્ણ રીતે સ્કૂટરને સમાધિ આપી. ઘરના જ આંગણામાં ૭ ફુટ ઊંડો ખાડો ખોદીને એ કબરમાં સ્કૂટર ઉતારી દીધું. આ વિડિયો જોઈને અનેક લોકોએ પોતાના ઈ-સ્કૂટરથી પડતી તકલીફોનાં રોદણાં સોશ્યલ મીડિયા પર ગાવાનું શરૂ કરી દીધું હતું.

