કર્ણાટકના મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે પણ રિયાંશને અભિનંદન આપ્યાં હતાં
રિયાંશ પટ્ટનશેટ્ટી
નવજાત બાળક ૭-૮ મહિનાનું થાય એટલે ઘૂંટણિયાં ભરે છે અને ૧૦ મહિનાની ઉંમરે થોડાંક ડગલાં પણ માંડી શકે છે. જોકે કર્ણાટકના વિજયપુરામાં ૧૦ મહિનાના રિયાંશ પટ્ટનશેટ્ટી નામના બાળકની સ્પીડ તો જબરદસ્ત છે. રિયાંશે ૧૦ મહિનાની ઉંમરે પગથિયાં ચડવાનો નોબલ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ પોતાના નામે કર્યો છે. રિયાંશના પેરન્ટ્સે જોયું હતું કે દીકરો પગથિયાં જોતાં જ ઝટપટ ચડવા લાગે છે, તેને એમાં કોઈ એફર્ટ્સ પણ નથી કરવા પડતા. એ જોઈને રિયાંશની મમ્મીએ તેને થોડીક પ્રૅક્ટિસ કરાવી. એક ફુટ ઊંચાં પગથિયાં રિયાંશ ઝટપટ ચડતાં શીખી ગયો. તેની આ અસાધારણ કાબેલિયત જોઈને પેરન્ટ્સે એ ઘટનાનો વિડિયો લઈને રેકૉર્ડ માટે ચોક્કસ અધિકારીઓને મોકલ્યો. તપાસ દરમ્યાન અધિકારીઓએ રિયાંશને ફરીથી તેમની હાજરીમાં પગથિયાં ચડાવવાનું કામ કરવા કહ્યું અને એ વખતે તેણે ૩૬ સેકન્ડમાં ૨૧ પગથિયાં ચડી નાખ્યાં. તેની આ શાનદાર ઉપલબ્ધિને નોબલ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવી છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે પણ રિયાંશને અભિનંદન આપ્યાં હતાં.
