ગનીમત એ રહી કે ડ્રાઇવરને કોઈ ગંભીર ઈજા નહોતી થઈ
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કેરલાના કુન્નૂર જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થતો રહી ગયો હતો. એક કાર બની રહેલા ફ્લાયઓવર પર પહોંચી ગઈ હતી. ડ્રાઇવર નશામાં હતો અને કારની ગતિ ખૂબ ઝડપી હતી. એક ફ્લાયઓવર લગભગ પૂરો થવાના આરે હતો. બેઉ તરફથી બ્રિજ બની ચૂક્યો હતો, પરંતુ વચ્ચે એક પાતળી જગ્યા બાકી રહી ગઈ હતી એને જોડવાનું કામ બાકી રહ્યું હતું. ડ્રાઇવર નશામાં હોવાથી તે કાર લઈને અધૂરા ફ્લાયઓવર પર ચડી ગયો હતો અને અન્ડર-કન્સ્ટ્રક્શન બ્રિજની વચ્ચેના ગૅપમાં પડી ગયો હતો. આ ગૅપ એટલો પાતળો હતો કે તે સીધો નીચે પડવાને બદલે બે બ્રિજના પિલરની વચ્ચે ઊંધા માથે ફસાઈ ગયો હતો. ગનીમત એ રહી કે ડ્રાઇવરને કોઈ ગંભીર ઈજા નહોતી થઈ. જો બ્રિજની વચ્ચે થોડીક મોટી જગ્યા હોત તો ડ્રાઇવર કાર સાથે ઊંધા માથે જમીન પર પટકાયો હોત. એનાથી તેને તો નુકસાન થયું જ હોત પણ નીચેથી અવરજવર કરનારા લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ ગયા હોત. ડ્રાઇવરને કારમાંથી કાઢવા માટે રેસ્ક્યુ ટીમ બોલાવવી પડી હતી અને એણે ક્રેનની મદદથી તેને ઉગાર્યો હતો.


