ઓપન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નું લોકપ્રિય ચૅટબૉટ ચૅટજીપીટીએ દુનિયાભરનાં અનેક કામોને સરળ કરી લીધાં છે. એ ભલભલા જવાબ આપવામાં માહેર છે, પણ ક્યારેય કોઈએ એ નહીં વિચાર્યું હોય કે ચૅટજીપીટી તમને કોઈ કેસ લડવામાં મદદ કરે અને જિતાડે.
પ્રતીકાત્મક તસવીર
ઓપન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નું લોકપ્રિય ચૅટબૉટ ચૅટજીપીટીએ દુનિયાભરનાં અનેક કામોને સરળ કરી લીધાં છે. એ ભલભલા જવાબ આપવામાં માહેર છે, પણ ક્યારેય કોઈએ એ નહીં વિચાર્યું હોય કે ચૅટજીપીટી તમને કોઈ કેસ લડવામાં મદદ કરે અને જિતાડે. કઝાખસ્તાનના અલ્માટી શહેરમાં રહેતા કૅનઝેબેક ઇસ્માઇલોવ નામના ભાઈએ આ કામ કરી દેખાડ્યું છે. વાત ગયા વર્ષના ડિસેમ્બરની છે. કૅનઝેબૅક તેની મમ્મીને લઈને હૉસ્પિટલ જઈ રહ્યો હતો ત્યારે એક સિંગલ લેન રસ્તા પર એક કારચાલક અચાનક ગાડી રોકીને ઊભો રહી ગયો હતો. સિંગલ લેનના નિયમ મુજબ તે કારને ઓવરટેક ન કરી શકે, પરંતુ ખાસ્સી વાર રાહ જોયા પછી પણ જ્યારે પેલો માણસ ગાડી આગળ વધારવા માગતો નહોતો એટલે તેણે નાછૂટકે કારને ઓવરટેક કરવી પડી. આ ઘટના રોડ પરના કૅમેરામાં કેદ થઈ ગઈ અને તેને ઈ-મેઇલથી ચલાન મળી ગયું. કૅનઝેબૅકે ટ્રૅફિક પોલીસને પોતાની પરેશાની કહીને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ દંડ પાછો ખેંચવા પોલીસ તૈયાર ન થઈ. તેને ધમકી આપવામાં આવી કે જો તું નહીં માને તો મામલો કોર્ટમાં જશે એના કરતાં પતાવટ કરી લે. કૅનઝેબૅક કોર્ટ-કચેરીની ભાષા અને ગૂંચવણો સમજતો નહોતો અને તે વકીલ પર પૈસા ખર્ચ કરવા પણ નહોતો માગતો એટલે તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ચૅટજીપીટીનો સહારો લીધો. તેણે ચૅટબૉટને પોતાની પૂરી હકીકત જણાવી અને એમાં ટ્રૅફિક પ્રબંધનની વેબસાઇટ પરથી ઘટનાનો જે વિડિયો હતો એ પણ અપલોડ કર્યો. ચૅટબૉટે તેને સલાહ આપી કે આ કેસમાં દંડ ભરવાની જરૂર નથી. એ ચલાનને પડકારવો જોઈએ. ચૅટજીપીટીએ કેસ દર્જ કરવા માટે જરૂરી કાગળોનું લખાણ પણ કરી આપ્યું. અદાલતમાં જ્યારે કેસની સુનાવણી થઈ ત્યારે જજે કૅનઝેબૅકને ઘણા સવાલ પૂછ્યા. એ તમામ સવાલ ચૅટજીપીટી આપી શકે એ માટે તેણે સ્પીચ સિન્થેસિસ ફંક્શનનો ઉપયોગ કર્યો. AI દ્વારા અપાયેલા જવાબો એટલા સારા હતા કે જજે દંડ રદ કરવો પડ્યો.
હવે કૅનઝેબૅક ચૅટજીપીટીનો ઉપયોગ કરીને ટ્રૅફિક પોલીસ સામે કેસ દાખલ કરવા માગે છે અને પોતાના સમયની બરબાદી કરવા બદલ વળતર માગશે.

