જન્મજાત હાથ ન હોવાથી તેણે નાનપણથી જ પોતાનાં તમામ રોજિંદાં કાર્યો પગ વડે કરવાની મહારત કેળવી લીધી છે. આ જ કૌશલ્યના આધારે તેણે પગની મદદથી દીવાસળી સળગાવી.
અનોખો વર્લ્ડ રેકૉર્ડ
શારીરિક પડકારો ક્યારેય મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિના માર્ગમાં અવરોધ બની શકતા નથી એ મેક્સિકોની ઍડ્રિયાના આઇરીન માસિયાસ હર્નાન્ડેઝે સાબિત કરી બતાવ્યું છે. જન્મથી જ બન્ને હાથ ન હોવા છતાં ઍડ્રિયાનાએ પોતાના પગની આંગળીઓ વડે માત્ર એક જ મિનિટમાં બર્થ-ડે કેક પર મુકાતી ૧૧ મીણબત્તીઓ સળગાવીને અનોખો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.
ઇટલીના મિલાન શહેરમાં એક શોના સેટ પર ઍડ્રિયાનાએ આ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હતી. જન્મજાત હાથ ન હોવાથી તેણે નાનપણથી જ પોતાનાં તમામ રોજિંદાં કાર્યો પગ વડે કરવાની મહારત કેળવી લીધી છે. આ જ કૌશલ્યના આધારે તેણે પગની મદદથી દીવાસળી સળગાવીને ૧ મિનિટમાં ૧૧ મીણબત્તીઓ પ્રગટાવી હતી.
અગાઉ આ રેકૉર્ડ અમેરિકાના જાણીતા રેકૉર્ડ-બ્રેકર અશ્રિતા ફર્મનના નામે હતો, જેમણે એક મિનિટમાં પગ વડે ૭ મીણબત્તીઓ સળગાવી હતી. ઍડ્રિયાનાએ આ જૂનો રેકૉર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. ઍડ્રિયાના માત્ર રેકૉર્ડ-હોલ્ડર નથી, એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ પણ ધરાવે છે. તે કાયદાનો અભ્યાસ પૂર્ણ કરીને લૉ ગ્રૅજ્યુએટ થઈ છે. આ ઉપરાંત તેણે અનેક પુસ્તકો પણ લખ્યાં છે. તે વિશ્વભરમાં પ્રવાસ કરીને દિવ્યાંગતા પ્રત્યે સકારાત્મક વિચારસરણી ફેલાવવા માટે પ્રેરણાદાયી લેક્ચર્સ આપે છે.
