આસપાસ નજર દોડાવ્યા પછી એક જણે કૂવામાં જોયું તો બાળકી પાણીમાં ઉપર તરી રહી હતી
વાંદરાએ અચાનક જ નવજાત બેબી પર હુમલો કર્યો અને તેને હાથમાં લઈને નાઠો
છત્તીસગઢમાં સિવની ગામમાં એક મા ૧૫ દિવસના નવજાત બાળકને ખોળામાં લઈને બેઠી હતી અને એ જ વખતે એ વિસ્તારમાં ચાર-પાંચ વાંદરા આવીને તોફાન મચાવવા લાગ્યા. વાંદરા અહીંતહીં કૂદાકૂદ કરી રહ્યા હતા. એવામાં એક વાંદરાએ અચાનક જ નવજાત બેબી પર હુમલો કર્યો અને તેને હાથમાં લઈને નાઠો. લોકો તેની પાછળ દોડ્યા એટલે વાંદરાએ નજીકમાં આવેલા કૂવામાં બાળકને ફેંકી દીધું. પહેલાં તો લોકોને ખબર ન પડી કે વાંદરાના હાથમાંથી બાળક ક્યાં ગયું? આસપાસ નજર દોડાવ્યા પછી એક જણે કૂવામાં જોયું તો બાળકી પાણીમાં ઉપર તરી રહી હતી. તરત જ ગામલોકોએ સૂઝબૂઝ વાપરીને કૂવામાં ડોલ નાખી અને ડોલમાં બાળકીને ભરીને બહાર કાઢી લીધી. બાળકે ડાઇપર પહેરેલું હોવાથી નવજાત માટે એણે લાઇફ-જૅકેટનું કામ કર્યું હતું. જોકે એમ છતાં બાળકીના પેટમાં થોડુંક પાણી ભરાઈ ગયું હોવાથી તે બેહોશ થઈ ગઈ હતી. નર્સે તેની છાતીમાંથી પાણી કાઢ્યું અને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR) આપતાં બાળકી ભાનમાં આવી હતી. હવે શિશુની હાલત સ્થિર છે.


