નારાજ પ્રેમિકાને મળવા યુવક ૩૭૦ કિલોમીટર સ્કૂટી ચલાવીને ગયો, પ્રેમિકાએ વાત કરવાની ના પાડતાં તેના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી
પ્રેમિકા નારાજ થઈને બે દિવસ પહેલાં જ તેના જીજાજી સાથે બહેનના ઘરે ઉજ્જૈન જતી રહી હતી
મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લામાં પ્રેમમાં પાગલ નિખિલ નામના યુવકે પ્રેમિકાને મળવા માટે ૩૭૦ કિલોમીટર દૂર ઉજ્જૈન તેના ઘરે જઈને મનાવવાની કોશિશ કરી હતી, પણ પ્રેમિકા નારાજ હોવાથી તેણે નિખિલ સાથે વાત કરવાની ના પાડી દીધી. પ્રેમિકા નારાજ થઈને બે દિવસ પહેલાં જ તેના જીજાજી સાથે બહેનના ઘરે ઉજ્જૈન જતી રહી હતી. નિખિલ તેની પાછળ સ્કૂટી લઈને ઉજ્જૈન ગયો. ઘરે ગયા પછી પણ પ્રેમિકાએ તેની સાથે વાત કરવાની ના પાડી દીધી. શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યે તે ઉજ્જૈન પહોંચ્યો હતો, પણ પ્રેમિકાએ ત્યાં પણ તેની સાથે વાત કરવાની ના પાડતાં તેણે દીદી અને જીજાજીને તેમના ઘરમાં બંધ કરી દીધાં અને બહારના વરંડામાં જઈને પોતાની સાથે લાવ્યો હતો એ પિસ્તોલથી તેણે જાતે જ પોતાની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. ગોળીના અવાજથી પાડોશીઓ દોડી આવ્યા હતા અને તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.
