પહાડોની તળેટીથી છેક ઊંચાં શિખરો સુધી ચારેય તરફ જાંબલી અને વાદળી રંગનાં ફૂલોની મનોરમ્ય ચાદર જાણે પ્રકૃતિએ પાથરી દીધી છે
નીલકુરિંજીનાં ફૂલ
પ્રકૃતિપ્રેમીઓ અને વનસ્પતિશાસ્ત્રીઓ માટે એક અત્યંત રોચક અને અદ્ભુત ખુશખબરી સામે આવી છે. કેરલમના મુન્નારના ધુમ્મસભર્યા પહાડો પર ૧૨ વર્ષના લાંબા અંતરાલ બાદ દુર્લભ નીલકુરિંજીનાં ફૂલો ખીલી ઊઠ્યાં છે. પહાડોની તળેટીથી છેક ઊંચાં શિખરો સુધી ચારેય તરફ જાંબલી અને વાદળી રંગનાં ફૂલોની મનોરમ્ય ચાદર જાણે પ્રકૃતિએ પાથરી દીધી છે.
વનસ્પતિશાસ્ત્રમાં આ છોડને સ્ટ્રોબિલેન્થેસ કુંથિયાના (Strobilanthes kunthiana) તરીકે ઓળખવામાં આવે છે. આ ફૂલોની સૌથી મોટી ખાસિયત એ છે કે એ દર ૧૨ વર્ષે માત્ર એક જ વાર ખીલે છે. મખમલી વાદળી રંગનાં આવાં લાખો ફૂલો જ્યારે એકસાથે ખીલી ઊઠે છે ત્યારે આખેઆખા પહાડો વાદળી દેખાવા લાગે છે. તામિલનાડુ અને કેરલમના નીલગિરી એટલે કે વાદળી રંગના પહાડોનું નામ પણ આ જ ફૂલોના કારણે પડ્યું હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ છોડ ૧૨ વર્ષ સુધી ધીમે-ધીમે મોટા થાય છે અને પછી એકસાથે એમાં ફૂલો ખીલવા માંડે છે. પોતાના બીજ એ જમીનમાં છોડે છે જે સુકાઈ જાય છે.
આ ફૂલ કેરલમ ઉપરાંત પશ્ચિમ ઘાટના પહાડોમાં, કોડાઇકેનાલ, ચિકમગલુર જેવાં સ્થળોએ પણ દર ૧૨ વર્ષે ઊગે છે. જોકે એનો સમય અલગ-અલગ હોય છે એટલે કે બધી જગ્યાએ એક જ સમયે નથી ઊગતાં. આ છોડનું મહત્ત્વ એટલું બધું છે કે એને કોડાઇકેનાલ ખાતેના ભગવાન મુરુગનને સમર્પિત કુરુંજી મંદિર ખાતે સાચવવામાં આવે છે જ્યાં લોકો એનાં દર્શનાર્થે આવે છે.
