પોલીસે સૂરજના નિવેદન પર બે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ કરવાની શરૂ કરી
સૂરજ ભાસ્કર
જૌનપુરમાં રહેતો સૂરજ ભાસ્કર નામનો યુવાન NEETની તૈયારી કરી રહ્યો હતો અને તેણે ૨૦૨૬માં કોઈ પણ ભોગે MBBSમાં ઍડ્મિશન લેવું હતું. આવી ઇચ્છા તો અનેક યુવાનોની હોય છે, પરંતુ સૂરજે પોતાની ઇચ્છા પૂરી થાય એ માટે જે પગલું લીધું એ ભલભલાનાં રૂંવાડાં ખડાં કરી દે એવું હતું. થોડા દિવસ પહેલાં સૂરજે પોતાની સાથે મારપીટ થઈ છે એવી ફરિયાદ કરી હતી. તેણે પોલીસને કહ્યું કે કેટલાક લોકોએ એક રાતે તેની સાથે મારપીટ કરી હતી અને તેને એટલો માર્યો કે તે બેહોશ થઈ ગયો હતો. સવારે જ્યારે તે જાગ્યો તો તેના ડાબા પગનો પંજો જ નહોતો. પોલીસે સૂરજના નિવેદન પર બે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ કરવાની શરૂ કરી. તપાસ દરમ્યાન સૂરજ વારંવાર નિવેદન બદલતો રહેતો હતો અને જાણે તે પોલીસને ઘુમાવી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.
પોલીસે સૂરજની કૉલ-ડીટેલ્સ ચેક કરી તો ખબર પડી કે તેને એક ગર્લફ્રેન્ડ છે અને તેની સાથે તે લગ્ન કરવા માગે છે. પોલીસે તેની ગર્લફ્રેન્ડને પૂછપરછ માટે પોલીસચોકી પર બોલાવી. પ્રેમિકાએ કહ્યું કે સૂરજ ડૉક્ટર બનવા માગે છે અને MBBSમાં ઍડ્મિશન લેવાની તૈયારી કરી રહ્યો છે. નૉર્મલ કૅટેગરીમાં તેનો નંબર નથી લાગતો એટલે તે વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં દિવ્યાંગનું સર્ટિફિકેટ બનાવવા ગયો હતો. જોકે તેની શારીરિક તપાસ કર્યા પછી દિવ્યાંગનું સર્ટિફિકેટ ન મળ્યું એટલે તેણે જાતે જ દિવ્યાંગ બનવાનો નિર્ણય કર્યો હતો. તેની ડૉક્ટર બનવાની જીદ એટલી પ્રબળ હતી કે એ માટે તે કંઈ પણ કરવા તૈયાર હતો. પોલીસે જ્યારે સૂરજની કડક પૂછપરછ કરી તો તેણે કબૂલી લીધું કે તેણે જાતે જ પોતાના પગે ઍનેસ્થેસિયાનું ઇન્જેક્શન લગાવ્યું હતું જેથી પીડા ન થાય અને પછીથી મશીનથી પંજો કાપી નાખ્યો હતો.


