સંવર્ધન કાર્યક્રમના ભાગરૂપે ઓડિશા, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્રના બીચ પર કેટલાક ઑલિવ રિડલી કાચબાઓ પર ટૅગ લગાવવામાં આવ્યો હતો. ઓડિશામાં જે કાચબીને ટૅગ કરવામાં આવેલી એ તાજેતરમાં મહારાષ્ટ્રના કોંકણ તટ પર તરીને આવી હતી.
ઑલિવ રિડલી કાચબા
ઑલિવ રિડલી પ્રજાતિના કાચબાનું અસ્તિત્વ જોખમમાં હોવાથી છેલ્લા એક દાયકાથી ભારતના વિવિધ બીચ પર આ કાચબાના સંવર્ધનનું કામ થઈ રહ્યું છે. સંવર્ધન કાર્યક્રમના ભાગરૂપે ઓડિશા, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્રના બીચ પર કેટલાક ઑલિવ રિડલી કાચબાઓ પર ટૅગ લગાવવામાં આવ્યો હતો. ઓડિશામાં જે કાચબીને ટૅગ કરવામાં આવેલી એ તાજેતરમાં મહારાષ્ટ્રના કોંકણ તટ પર તરીને આવી હતી. એ કાચબી ૩૫૦૦ કિલોમીટર તરીને કોંકણના ગુહાગર બીચ પર આવી હતી અને અહીં એણે ૧૨૦ ઈંડાં મૂક્યાં હતાં. ઓડિશાના ગહીરમાથા બીચ પર ૦૩૨૩૩ નંબરનો ટૅગ જે કાચબાને ૨૦૨૧માં લગાવવામાં આવ્યો હતો એ કાચબો મહારાષ્ટ્ર આવી પહોંચ્યો હતો. ઝૂઓલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ZSI)એ એ વર્ષે ભારતના વિવિધ બીચ પરથી ૧૨,૦૦૦ કાચબાને ટૅગ કર્યા હતા. પ્રાણીનિષ્ણાતોનું માનવું છે કે ઓડિશામાં ટૅગ થયેલા કેટલાક કાચબા શ્રીલંકા તરફ જશે, પરંતુ એ છેક અરબી સમુદ્ર સુધી પહોંચ્યા એ ઐતિહાસિક ઘટના છે. અત્યાર સુધીના ZSIના અભ્યાસ મુજબ વૈજ્ઞાનિક ડૉ. વસુદેવ ત્રિપાઠીનું કહેવું છે કે પહેલાં એવું માનવામાં આવતું હતું કે પૂર્વ અને પશ્ચિમ તટના કાચબા અલગ પ્રજાતિના છે, પરંતુ હવે લાગે છે કે બન્ને તટોની જીવસૃષ્ટિ આપસમાં જોડાયેલી હોઈ શકે છે.

