આ દાગીનાની સાથે જે દોરા લાગેલા હતા એની અંદર સુંદર સુગંધિત દ્રવ્યો હતા એની લાલચે ચોર એ ઊઠાવી ગયો હશે એવું માનવામાં આવે છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કર્ણાટકના તુમકુરુ નામના શહેરમાં એક જાણીતી જ્વેલરીની શૉપમાંથી રાતોરાત ૧૦ લાખ રૂપિયાના હીરા અને સોનાના ઘરેણાં ગાયબ થઈ ગયા. દુકાનમાંથી રાતોરાત ૧૦ સોના-હીરાની વીંટી અને ૩ સોનાની ચેન ગાયબ હતી. જોકે ન તો દુકાનનું શટર તૂટ્યું, ન તો દુકાનના તાળા સાથે છેડછાડ થઈ. સ્વાભાવિક રીતે આવું થાય ત્યારે માલિકને પહેલી શંકા પોતાના જ સ્ટાફ પર જાય. આ ચોરીની વાત સાંભળીને સ્ટાફ મેમ્બરોમાં જબરદસ્ત ભય ફેલાઈ ગયો. બધા એકબીજાની તરફ શંકાની નજરે જોવા લાગ્યા. આખરે માલિકે કોણે આ હાથસફાઈ કરી છે એ પકડવા માટે જ્યારે દુકાનમાં લાગેલા CCTV કૅમેરાનું ફુટેજ ચેક કરવામાં આવ્યું. ફુટેજમાં અસલી ચોર પકડાઈ ગયો. એ અસલી ચોર કોઈ માણસ નહોતો, પરંતુ ઉંદરોની એક ગૅન્ગ હતી. ઘરેણાંઓની સાથે એની પાસે લાગેલાં પ્રાઇસ-ટૅગ્સ પણ ગાયબ હતા. વહેલી સવારે ૪.૩૦ વાગ્યે ચોરોની ગૅન્ગ ત્રાટકી હતી એવું કૅમેરાના ફુટેજમાં દેખાઈ રહ્યું હતું. સાડા ચારે પહેલો ઉંદર દાગીના મૂકેલી ટ્રેમાં જાય છે અને સોનાની અંગૂઠી મોંમાં દબાવીને લઈ જાય છે. આ દાગીનાની સાથે જે દોરા લાગેલા હતા એની અંદર સુંદર સુગંધિત દ્રવ્યો હતા એની લાલચે ચોર એ ઊઠાવી ગયો હશે એવું માનવામાં આવે છે. એક ઉંદરની ચોરી પછી થોડી જ વારમાં ત્યાં બીજાં ૩-૪ ઉંદર આવે છે અને દાગીના લઈને ગાયબ થઈ જાય છે. આ ફુટેજ જોયા પછી માલિકે ઉંદરોની મૂવમેન્ટ તપાસીને એ કઈ તરફ ગયા એ ટ્રૅક કરે છે તો ખબર પડે છે કે એક કબાટની પાછળથી ઉંદરો આવ્યા હતા અને ત્યાં જ બધા પાછા ગાયબ થઈ જતા હતા. તરત જ કાર્પેન્ટરને બોલાવીને કબાટ ત્યાંથી હટાવવામાં આવ્યું અને દરમાં ખોદકામ કરતાં બધા જ દાગીના રિકવર થઈ ગયા.
