પહેલાં માંકડ તેમને કરડતા ત્યારે લાલ ચકામાં ઊપસી આવતાં હતાં, પણ હવે આવાં લાલ નિશાન થાય તો પણ અડધો જ કલાકમાં ગાયબ થઈ જાય છે. તેમણે દુનિયાભરની કંપનીઓએ શોધેલા જંતુનાશકોની માંકડ પર શું અસર થાય છે એની ટેસ્ટ કરી છે.
માંકડ સાથે વૈજ્ઞાનિકનો પ્રયોગ
ઇંગ્લૅન્ડના એન્ટોમોલૉજિસ્ટ એટલે કે કીટશાસ્ત્ર પર અભ્યાસ કરતા ડૉ. રિચર્ડ નેલર પોતાના અભ્યાસમાં એટલા ખૂંપી ગયા છે કે તેમણે કીટકો પર સંશોધન કરવા માટે કોઈ બીજાનું નહીં, પોતાનું જ શરીર વાપર્યું છે. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ બેડબગ એટલે કે પથારીમાં જોવા મળતા માંકડ પર અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ કરવા માટે માંકડનું બ્રીડિંગ એટલે કે ઉત્પાદન કરીને એને પાળવાપોષવા પણ પડે. આ કામ તેઓ જાતે જ કરે છે. દર અઠવાડિયે બે વાર તેઓ પોતાના પાળેલા માંકડ ચોક્કસ કલાકો માટે પોતાના હાથ પર બાંધી રાખે છે જેથી માંકડ તેમનું લોહી પી શકે. લોહી પીધા પછી અને પહેલાં તેમના પર પ્રયોગો પણ થાય છે. માંકડ મોટા ભાગે પથારીમાં જોવા મળતા હોય છે એટલે તેઓ ખાસ અભ્યાસ માટે કેટલીક વાર પથારીમાં પણ સાથે રાખીને સૂઈ જાય છે. તેમની પાસે હવે કુલ ૬૦,૦૦૦ માંકડ છે. એમાંથી દર વખતે ૨૦-૨૦ હજારના બૅચમાં માંકડ પર પ્રયોગ થાય છે અને બૅચ મુજબ શરીર પર મૂકીને એમને લોહી પીવા દેવાય છે.
પહેલાં માંકડ તેમને કરડતા ત્યારે લાલ ચકામાં ઊપસી આવતાં હતાં, પણ હવે આવાં લાલ નિશાન થાય તો પણ અડધો જ કલાકમાં ગાયબ થઈ જાય છે. તેમણે દુનિયાભરની કંપનીઓએ શોધેલા જંતુનાશકોની માંકડ પર શું અસર થાય છે એની ટેસ્ટ કરી છે. તેમનું કહેવું છે કે બજારમાં મળતા જંતુનાશકોથી હવે કીટકો ઇમ્યુન થવા લાગ્યા છે. એમના પર સમજીવિચારીને જંતુનાશકોનો ઉપયોગ કરવો પડશે અથવા તો વધુ સ્ટ્રૉન્ગ જંતુનાશકો વિકસાવવા પડશે.
