ઉત્તર પ્રદેશના લાલગોપાલગંજ રેલવે-સ્ટેશન પર એક એવી ઘટના બની કે રેલવે-સ્ટેશનનો માસ્તર દોડતો થઈ ગયો એટલું જ નહીં, સ્ટેશન પાસેની ફાટક પર પણ લાંબો ટ્રાફિક જૅમ થઈ ગયો. લોકો કલાક સુધી રાહ જોતા રહ્યા કે ક્યારે માલગાડી પસાર થાય અને ક્યારે ફાટક ખૂલે.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના લાલગોપાલગંજ રેલવે-સ્ટેશન પર એક એવી ઘટના બની કે રેલવે-સ્ટેશનનો માસ્તર દોડતો થઈ ગયો એટલું જ નહીં, સ્ટેશન પાસેની ફાટક પર પણ લાંબો ટ્રાફિક જૅમ થઈ ગયો. લોકો કલાક સુધી રાહ જોતા રહ્યા કે ક્યારે માલગાડી પસાર થાય અને ક્યારે ફાટક ખૂલે. નવાઈની વાત એ હતી કે આ ઘટનામાં કોઈ ટેક્નિકલ ખામી નહોતી, પરંતુ માલગાડી ચલાવતો ડ્રાઇવર નારાજ હતો. વાત એમ હતી કે એક માલગાડી લાલગોપાલગંજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના ડ્રાઇવરને કન્ટ્રોલ રૂમમાંથી ફરમાન આવ્યું કે લખનઉ ઇન્ટરસિટી આવી રહી છે એને રસ્તો આપો. માલગાડીના ડ્રાઇવરે આ આદેશનું પાલન કરીને માલગાડીને પ્લૅટફૉર્મ-નંબર બે પાસે ઊભી કરી દીધી. એની એક મિનિટ બાદ લખનઉ ઇન્ટરસિટી આવીને સડસડાટ નીકળી ગઈ. એ પછી માલગાડીને નીકળવા માટે લીલી ઝંડી મળી ગઈ, પરંતુ ડ્રાઇવર ટ્રેન ચલાવવા તૈયાર નહોતો. તેણે હાથ ઊંચા કરી દીધા કે ‘મારો ડ્યુટીનો સમય ખતમ થઈ ચૂક્યો છે. હું ઓવરટાઇમ કરી રહ્યો છું અને હવે તમે મને પ્લૅટફૉર્મ પર રોકી લેતાં હું કંટાળ્યો છું. સતત સાડાનવ કલાકથી ટ્રેન ચલાવ્યા પછી હવે ટ્રેન આગળ લઈ જવાનું શક્ય નથી.’ માલગાડી લાંબી હોવાથી સ્ટેશન પાસેથી પસાર થતાં ફાટક પણ બંધ હતી. રેલવે-ક્રૉસિંગ બંધ હોવાથી રોડ પર લાંબો ટ્રાફિક જૅમ થયો હતો. રેલવે-પોલીસ અને સ્થાનિક પોલીસે ડ્રાઇવરને સમજાવ્યો, ન માન્યો તો ધમકાવ્યો, પણ નારાજ ડ્રાઇવર કેમેય કરીને ટ્રેન આગળ લઈ જવા તૈયાર ન જ થયો. આખરે રેલવેના મોટા અધિકારીઓ સુધી વાત પહોંચી. તેમણે ફોન પર લાંબી વાતચીત કરી અને મનામણાં કર્યાં ત્યારે ભાઈ એક કલાક ૧૭ મિનિટ પછી ટ્રેન આગળ લઈ જવા તૈયાર થયા. ભલે આ ઘટના કોઈને કૉમેડી જેવી લાગે, પણ આ રેલવેની કાર્યપ્રણાલી પર સવાલ ઊભા કરે છે.


