ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ પણ આ નવા ઇનોવેશન માટે અભિનંદન પાઠવ્યાં છે
રવિએ સિંગલ-સીટર ગાડી બનાવી છે જે જરૂર પડ્યે હવામાં ઊડી શકે છે
ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં રહેતા રવિ ટમ્ટા નામના યુવાને ભારતના પહેલા પર્સનલ ફ્લાઇંગ વ્હીકલ એટલે કે ઊડતી કારનું સફળ પરીક્ષણ કર્યું છે. રવિએ સિંગલ-સીટર ગાડી બનાવી છે જે જરૂર પડ્યે હવામાં ઊડી શકે છે. સોશ્યલ મીડિયા પર રવિએ કરેલી વન મિનિટ ફ્લાઇંગ ટેસ્ટ વાઇરલ થયો છે. વાહનમાં પૈડાંની જગ્યાએ ચારેતરફ ૯ પાંખ લાગેલી છે અને એ પાંખોની મદદથી જ લીલાછમ ઘાસના મેદાનમાંથી ટેક-ઑફ કરે છે અને ૨૦ ફુટ ઊંચાઈ પર હવામાં ઊડીને આખા ગ્રાઉન્ડનું એક ચક્કર લગાવીને પાછું સુરક્ષિત લૅન્ડ પણ થઈ જાય છે. આ ટેસ્ટિંગ આર્મીના હૅલિપેડ પર કરવામાં આવ્યું હતું. રવિ ટમ્ટા હપિડા સ્કાય પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. આ ફ્લાઇંગ કારનું પ્રોટોટાઇપ રવિની કંપનીએ જ બનાવ્યું છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી આ કાર બનાવવા માટેની મથામણ ચાલી રહી હતી. હવે રવિને સંપૂર્ણપણે વીજળીથી ચાલતી, સેફ, મૉડર્ન અને ફ્લાઇંગ ટેસ્ટ પાસ કરતી કાર બનાવવામાં સફળતા મળી છે. રવિનું કહેવું છે કે જેટલું અંતર સામાન્ય રીતે રોડથી પાર કરવામાં ૪૦ મિનિટ લાગે એટલું અંતર આ વાહનથી ૧૨ મિનિટમાં પાર કરી શકાય છે. હજી આ વાહનને વધુ સેફ અને પાવરફુલ બનાવવા માટે વધુ પરીક્ષણો અને બદલાવો થશે.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ પણ આ નવા ઇનોવેશન માટે અભિનંદન પાઠવ્યાં છે. જોકે રવિનો આ પહેલો પ્રયોગ નથી. આ પહેલાં તેણે એક સ્ટિક બનાવી હતી જેનો ઉપયોગ આજે પણ ઉત્તરાખંડના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યો છે. આ સ્ટિક મોબાઇલ ચાર્જ કરે છે અને ટૉર્ચનું કામ પણ આપે છે.
