પ્રેમિકાને પોતાની પ્રાઇવેટ પ્રૉપર્ટી ગણતા બૉયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના શરીરે પોતાના નામનાં ૨૫૦ જેટલાં ટૅટૂ છૂંદાવી દીધાં
૨૦૨૦થી ૨૦૨૧ દરમ્યાન બૉયફ્રેન્ડે જોકના શરીરને પોતાના નામથી ચીતરી નાખ્યું હતું.
સોશ્યલ મીડિયા પર બાવન વર્ષની એક મહિલાએ પોતાના એક્સ-બૉયફ્રેન્ડે તેની સાથે કેવું હીણપતભર્યું કામ કર્યું હતું એની વાત શૅર કરી છે. જોક નામની આ મહિલાના શરીર પર ૨૫૦ ટૅટૂ છૂંદાવેલાં છે. લગભગ તમામ ટૅટૂમાં બૉયફ્રેન્ડનું જ નામ અલગ-અલગ રીતે છૂંદાવ્યું છે. જોકનું કહેવું છે કે તેનો બૉયફ્રેન્ડ તેને પર્સનલ પ્રૉપર્ટીની જેમ ટ્રીટ કરતો હતો. તેના ચહેરા, ગરદન, હાથ, પગ અને શરીરના અંદરના ભાગો પર પણ તેણે હૅન્સ શબ્દ ચીતરાવ્યો હતો. કેટલીક જગ્યાએ તેણે પ્રૉપર્ટી ઑફ હૅન્સ પણ લખાવ્યું હતું. મહિલાનું કહેવું છે કે તેણે આ વાતનો અનેક વાર વિરોધ કર્યો હતો, પરંતુ બૉયફ્રેન્ડ તેને દરેક વખતે ધમકાવતો અને મારતો. જોકના આખા શરીરે હૅન્સનું નામ ચિતરાયેલું છે અને હવે તેને જોકમાંથી રસ ઊડી ગયો હોવાથી તેમની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે.
૨૦૨૦થી ૨૦૨૧ દરમ્યાન બૉયફ્રેન્ડે જોકના શરીરને પોતાના નામથી ચીતરી નાખ્યું હતું. આ બધાથી તંગ આવીને જ્યારે તે રિલેશનશિપ તોડવાની વાત કરતી ત્યારે તે ઇમોશનલ બ્લૅકમેઇલિંગ કરતો હતો. હવે જોકે સોશ્યલ મીડિયા પર અપીલ કરી હતી કે તે આ બધાં ટૅટૂ દૂર કરાવીને જૂની અને પીડાદાયક યાદોમાંથી છૂટવા માગે છે, પણ એ માટે તેને પૈસાની જરૂર છે. લોકોની મદદથી તેણે શરીર પરનાં ટૅટૂ લેસર ટ્રીટમેન્ટથી દૂર કરાવવાનું પણ શરૂ કરી દીધું છે.
