Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૌથી મોટી ટુર્નામેન્ટની પહેલી વાર ફાઇનલ ૧.૩૨ લાખ લોકો માણશે? : ધમધમાટ શરૂ

સૌથી મોટી ટુર્નામેન્ટની પહેલી વાર ફાઇનલ ૧.૩૨ લાખ લોકો માણશે? : ધમધમાટ શરૂ

18 May, 2022 12:50 PM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

પોલીસ અધિકારીઓએ સ્ટેડિયમની સમીક્ષા કરી બેઠક યોજી : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોની કૅપેસિટી હોવાથી મૅક્સિમમ ક્રિકેટપ્રેમીઓ મૅચની મોજ માણે એવી શક્યતા

આઇપીએલની ફાઇનલ માટે તૈયાર અમદાવાદનું ક્રિકેટની દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ.

આઇપીએલની ફાઇનલ માટે તૈયાર અમદાવાદનું ક્રિકેટની દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ.


અમદાવાદમાં ૨૯ મેએ પહેલી વાર આઇપીએલની ફાઇનલ મૅચ રમાવાની છે એ પ્રસંગે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ૨૭ મેએ પ્લે-ઑફની ક્વૉલિફાયર-ટૂ મૅચ અને પછી અત્યંત રોમાંચક બની રહેનારી ફાઇનલ મૅચ રમાવાની હોવાથી તેમ જ અનેક સેલિબ્રિટીઝ ક્લોઝિંગ સેરેમનીમાં આવવાના હોવાથી ગઈ કાલે પોલીસ અધિકારીઓએ સલામતીના કારણસર સ્ટેડિયમની સમીક્ષા કર્યા બાદ બેઠક યોજી હતી. ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ આ વખતે હાઉસફુલ થવાની શક્યતા વર્તાઈ રહી છે અને એવા સંજોગોમાં મૅક્સિમમ ક્રિકેટ લવર્સ સ્ટેડિયમમાં બેસીને મૅચની મોજ માણશે.
અમદાવાદમાં ક્રિકેટ મૅચની કોઈ પણ મોટી ટુર્નામેન્ટની ફાઇનલ પહેલી વાર રમાવાની આ પહેલી જ ઘટના છે. ફાઇનલમાં અનેક સેલિબ્રિટીઝ અને પ્રધાનમંડળના સભ્યો આવવાના હોવાથી અને મૅચમાં નૅશનલ અને ઇન્ટરનૅશનલ ક્રિકેટર્સ રમવાના હોવાથી સિક્યૉરિટીને લઈને ગઈ કાલે સ્ટેડિયમમાં અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ સમીક્ષા કરી હતી અને સ્ટેડિયમમાં રાઉન્ડ માર્યો હતો. સ્ટેડિયમમાંના તમામ ગેટ તેમ જ એન્ટ્રી પૉઇન્ટ સહિતની ઝીણી-ઝીણી બાબતોનું તેમણે નિરીક્ષણ કર્યું હતું અને બે મૅચ બાબતમાં સઘન સલામતી રાખવા વિશે સ્ટેડિયમમાં જ બેઠક યોજી હતી. ક્વિક રિસ્પૉન્સ ટીમ, ટ્રાફિક પોલીસ સહિતની જુદા-જુદા વિભાગના પોલીસ ઑફિસરો ઉપસ્થિત રહ્યા હતા અને મૅચને લઈને તેમણે મંથન કર્યું હતું. બે-ત્રણ દિવસ પછી ફરી પાછા પોલીસ ઑફિસર્સ સ્ટેડિયમની મુલાકાત લેશે અને સિક્યૉરિટી સંદર્ભે નિરીક્ષણ કરશે.
ગુજરાત ક્રિકેટ અસોસિએશનના ઓનરરી સેક્રેટરી અશોક ભ્રહ્મભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાત ક્રિકેટ અસોસિએશન માટે આ ગૌરવની વાત છે કે અહીં પહેલી વાર આઇપીએલની ફાઇનલ મૅચ રમાવાની છે. આ પહેલાં કોઈ પણ ફાઇનલ મૅચ અહીં રમાઈ નથી. જોકે ભુતકાળમાં આ સ્ટેડિયમમાં આઇપીએલની મૅચો રમાઈ છે. સ્ટેડિયમમાં અત્યારે ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોની કૅપેસિટી છે. અત્યારે મૅચમાં પ્રેક્ષકોની ૧૦૦ ટકા હાજરી માટેની મંજૂરી છે. મૅચ રમાડવા માટે સ્ટેડિયમ તૈયાર છે. પ્રૅક્ટિસ પિચ તૈયાર કરી દીધી છે. રોલિંગ, ગ્રાસ કટિંગ, પાણીના છંટકાવ સહિતની કામગીરી ચાલુ છે. આ સહિત મૅચને લઈને બીજી બધી તૈયારીઓ ચાલી રહી છે.’

મ્યુઝિક કૉન્સર્ટ સાથે ક્લોઝિંગ સેરેમનીમાં યોજાશે રંગારંગ કાર્યક્રમો



૨૯ મેએ આઇપીએલની ફાઇનલ મૅચ અમદાવાદમાં રમાવાની છે ત્યારે ગીત-સંગીતની કૉન્સર્ટ સાથે ક્લોઝિંગ સેરેમનીમાં રંગારંગ કાર્યક્રમ યોજાશે એટલે મૅચની સાથે પ્રેક્ષકોને ડબલ જલસો થશે.
ફાઇનલ વખતે અદ્ભુત ક્લોઝિંગ સેરેમની યોજાશે. એવી ચર્ચા છે કે ક્લોઝિંગ સેરેમનીમાં બૉલીવુડના મ્યુઝિશ્યન એ. આર. રહમાન અને બૉલીવુડના કલાકારો પર્ફોર્મ કરશે અને ગીત-સંગીતનો જલસો કરાવશે. મૅચ પહેલાં સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોને મ્યુઝિશ્યન્સ અને કલાકારો તેમના પર્ફોર્મન્સ દ્વારા થીરકતા કરી મૂકશે. આ કાર્યક્રમમાં આતશબાજી પણ થશે. આઇપીએલની ફાઇનલ વખતે આ સ્ટેડિયમમાં દેશનાં જુદાં-જુદાં રાજ્યોના ક્રિકેટ અસોસિએશનના હોદ્દેદારો, ક્રિકેટરો, સેલિબ્રિટી સહિતના મહાનુભાવો આવશે. એવી પણ શક્યતા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને પ્રેક્ષકોને સરપ્રાઇઝ આપી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2022 12:50 PM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK