એક ઑક્ટોબરે તેમની ટક્કર કોની સાથે થશે એ આજની ક્વૉર્ટર ફાઇનલ મૅચોથી નક્કી થશે
ભારતીય ઑલિમ્પિક્સ સંઘનાં પ્રમુખ પી.ટી. ઉષા સાથે ભારતીય ક્રિકેટ ટીમ.
જપાનના નિસિનમાં કરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે વરસાદ અને ભીના આઉટફીલ્ડને કારણે ગઈ કાલે સતત બે ક્વૉર્ટર ફાઇનલ મૅચો રદ્દ થઈ હતી. ટૉસ વગર પાકિસ્તાન અને ભારત હરીફ ટીમો કરતાં સારા વર્લ્ડ T20 રૅન્કિંગને કારણે સેમી-ફાઇનલમાં પહોંચ્યાં હતાં.
સતત વરસાદને કારણે અધિકારીઓએ ટૉસ થયા વિના જ પાકિસ્તાન-હૉન્ગકૉન્ગની મૅચ રદ્દ કરવી પડી હતી. જપાનમાં બપોરે અફઘાનિસ્તાન-ભારતની ક્વૉર્ટર ફાઇનલ મૅચ મેદાન ભીનું હોવાને કારણે ટોસ પહેલાં જ રદ્દ કરવામાં આવી હતી.
એક પણ મૅચ રમ્યા વગર ભારત અને પાકિસ્તાન હવે એક ઑક્ટોબરની સેમી-ફાઇનલમાં પહોંચ્યાં છે. ભારત હવે શ્રીલંકા અને નેપાલ વચ્ચેની ત્રીજી ક્વૉર્ટર ફાઇનલના વિજેતા સામે ટકરાશે, જ્યારે પાકિસ્તાન ટીમ બંગલાદેશ અને મલેશિયા વચ્ચેની ચોથી ક્વૉર્ટર ફાઇનલ મૅચના વિજેતા સામે રમશે.
