૧૬.૨ ઓવરમાં ઓમાનને ૧૦૪ રને ઑલઆઉટ કર્યા બાદ રેકૉર્ડ રન-ચેઝ કરીને ઑસ્ટ્રેલિયા ૯ વિકેટે જીત્યું
મિચલ માર્શ અને ટ્રૅવિસ હેડે રન-ચેઝ દરમ્યાન ૮ ઓવરમાં ૯૩ રનની ભાગીદારી કરી હતી
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની અંતિમ અને ચાલીસમી ગ્રુપ-સ્ટેજ મૅચમાં શાનદાર રન-ચેઝ જોવા મળી હતી. પલેકેલેમાં કાંગારૂઓની ઍડમ ઝૅમ્પા સહિતના બોલિંગ-યુનિટ સામે ઓમાનની ટીમ ૧૬.૨ ઓવરમાં તમામ ૧૦ વિકેટ ગુમાવીને માત્ર ૧૦૪ રન કરી શકી હતી. ઑસ્ટ્રેલિયાએ મિચલ માર્શની શાનદાર ફિફ્ટીની મદદથી ૯.૪ ઓવરમાં ૧૦૮ રન કરીને ૧૦૫ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
૨૦૨૧ની ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમે ગ્રુપ Bમાં ત્રીજા ક્રમે ૪ પૉઇન્ટ સાથે પોતાના નિરાશજનક અભિયાનનો અંત કર્યો હતો. ૨૦૦૯ બાદ પહેલી વખત કાંગારૂ ટીમ T20 વર્લ્ડ કપમાં ગ્રુપ-સ્ટેજ મૅચ રમીને બહાર થઈ છે. ઑસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપમાં ૯.૪ ઓવરમાં ફાસ્ટેસ્ટ અંદાજમાં ૧૦૦+ રનનો ટાર્ગેટ ચેઝ કરવાના રેકૉર્ડની બરાબરી કરી છે. ૨૦૨૪માં અમેરિકા સામે ઇંગ્લૅન્ડે ૧૧૬ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૬૨ બૉલ પહેલાં જીત નોંધાવી હતી.
૯.૫ ઓવરમાં ઓમાને ૬૯ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. વસીમ અલીએ ઓમાન માટે ૩૩ બૉલમાં ૪ ફોરની મદદથી ૩૨ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ઑસ્ટ્રેલિયના સ્પિનર ઍડમ ઝૅમ્પાએ મૅચવિનિંગ સ્પેલ ફેંકી હતી. તેણે ૩.૨ ઓવરમાં ૨૧ રન આપીને ૪ વિકેટ લીધી હતી. સ્પિનર ગ્લેન મૅક્સવેલ અને પેસ બોલર ઝેવિયર બાર્ટલેટે ૨-૨ વિકેટ ઝડપી હતી.
રન-ચેઝ દરમ્યાન ઑસ્ટ્રેલિયાએ પાવરપ્લેની ૬ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ૭૩ રન ફટકાર્યા હતા. ઓપનિંગમાં આવેલા મિચલ માર્શે ૧૯૩.૯૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૭ ફોર અને ૪ સિક્સની મદદથી ૩૩ બૉલમાં ૬૪ રન ઝૂડી દીધા હતા. ટ્રૅવિસ હેડે ૧૯ બૉલમાં ૬ ફોર ફટકારીને ૩૨ રન કર્યા હતા. ઓમાનના સ્પિનર શકીલ અહમદને નવમી ઓવર દરમ્યાન ટ્રૅવિસ હેડ રૂપે એકમાત્ર વિકેટ મળી હતી.
