મધ્ય પ્રદેશની ઘટના: મોટી સંખ્યામાં હિન્દુઓ ઘટનાસ્થળે પહોંચ્યા, પૂજા-અર્ચના શરૂ કરી
ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ખોદકામ વખતે ભૂગર્ભમાંથી ભગવાન રામની મૂર્તિઓ મળી આવી
મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં પાપેડ નામના એક ગામમાં એક મસ્જિદ-પરિસરમાં નિર્માણ માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ખોદકામ વખતે ભૂગર્ભમાંથી ભગવાન રામની મૂર્તિઓ મળી આવી હતી. આ સમાચાર આખા ગામમાં આગની જ્વાળાની જેમ ફેલાઈ જતાં મોટી સંખ્યામાં હિન્દુઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યાં જ મૂર્તિઓની પૂજા-અર્ચના શરૂ કરી દેવામાં આવી હતી. આ જાણકારી મળતાં પોલીસ અને પ્રશાસનની ટીમો પણ પહોંચી હતી અને હાલ પૂરતું મસ્જિદના નિર્માણનું કામ અટકાવી દેવામાં આવ્યું છે.
સાગર જિલ્લાની બાંદા તહસીલના પાપેડ ગામમાં મસ્જિદની જમીનમાં દીવાલ પાસે ખોદકામ ચાલી રહ્યું હતું. ખોદકામમાં ભગવાન રામની મૂર્તિ મળી આવી હતી. મૂર્તિ તૂટી ગઈ હતી. જોકે આ સમાચાર મળતાં હિન્દુ સંગઠનોના સભ્યો ત્યાં પહોંચ્યા હતા અને આ સ્થળે મંદિર બનાવવાની માગણી કરી હતી. હિન્દુ સંગઠનોનો દાવો છે કે આ સ્થળે એક સમયે એક મંદિર હતું, જેને તોડીને એ સ્થાને મસ્જિદ બાંધવામાં આવી હતી. મુસ્લિમ સમુદાયના સભ્યો પણ ત્યાં પહોંચતાં થોડા સમય માટે તનાવ સર્જાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ બન્ને પક્ષો સાથે વાત કરીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાને કારણે હાલમાં ગામમાં તનાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે.
ADVERTISEMENT
મૂર્તિ મળી આવ્યા બાદ બાંદા ડિસ્ટ્રિક્ટના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ નવીન ઠાકુરે જણાવ્યું હતું કે ‘ગામલોકોએ ખોદકામ ચાલી રહ્યું હોવાની જાણ કરી છે. પુરાતત્ત્વ વિભાગ તપાસ કરશે. મૂર્તિઓને પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવશે. પુરાતત્ત્વ વિભાગ મૂર્તિઓના સ્થાનની તપાસ કરશે. હાલ જમીન પર કોઈ બાંધકામ થશે નહીં. જમીન મસ્જિદની માલિકીની છે.’


