ઑસ્ટ્રેલિયા માત્ર ત્રણ દિવસમાં વેસ્ટ ઇન્ડીઝને પછાડીને ૧૫૯ રને પહેલી ટેસ્ટ-મૅચ જીત્યું
ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રૅવિસ હેડ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો.
ઑસ્ટ્રેલિયન ટીમે યજમાન વેસ્ટ ઇન્ડીઝને પહેલી ટેસ્ટ-મૅચમાં ૧૫૯ રને હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. પહેલી ઇનિંગ્સમાં ૧૮૦ રન અને બીજીમાં ૩૧૦ રન ફટકારીને ઑસ્ટ્રેલિયાએ જીત માટે ૩૦૧ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જોકે પહેલી ઇનિંગ્સમાં ૧૯૦ રન ફટકારનાર વેસ્ટ ઇન્ડીઝ ત્રીજા દિવસની રમતમાં જ ૧૪૧ રને ઑલઆઉટ થઈ જતાં રસપ્રદ મૅચ હાર્યું હતું.
મૅચ દરમ્યાન ૫૯ રન અને ૬૧ રનની ઇનિંગ્સ રમનાર ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રૅવિસ હેડ પ્લેયર ઑફ ધ મૅચ (POTM) અવૉર્ડ જીત્યો હતો. તે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)માં ૧૦ POTM અવૉર્ડ જીતનાર પહેલવહેલો પ્લેયર બન્યો છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે કુલ સાત વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર શમર જોસેફે બૅટ અને બૉલ બન્નેથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે કુલ ૯ વિકેટ લેવાની સાથે બીજી ઇનિંગ્સમાં બાવીસ બૉલમાં ૪૪ રન ફટકારીને વેસ્ટ ઇન્ડીઝ તરફથી ૧૦મા ક્રમે ફાસ્ટેસ્ટ ૪૦ પ્લસની ઇનિંગ્સ રમવાનો રેકૉર્ડ કર્યો હતો. આ મૅચમાં અમ્પાયર્સના કેટલાક નિર્ણયને કારણે વેસ્ટ ઇન્ડીઝની ટીમે તેમની ભૂમિકા પર સવાલો ઊભા કર્યા હતા.

