પોલીસે તેના ઘરે છાપો માર્યો ત્યારે શરૂઆતમાં કંઈ જ મળ્યું નહીં, પરંતુ જ્યારે બાથરૂમની અંદર તપાસ કરવામાં આવી ત્યારે ખજાનો મળ્યો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બિહારમાં પણ દારૂબંધી છે, પરંતુ જ્યાં પણ આવી બંધી લાગુ કરવામાં આવે છે ત્યાં સ્થાનિકો કંઈક ને કંઈક જુગાડ કરી જ લે છે. બિહારના બુંદેલખંડમાં વિક્કીકુમાર નામનો માણસ દારૂનાં ગેરકાનૂની કામોમાં સપડાયેલો છે એવી પોલીસને બાતમી મળી હતી. પોલીસે તેના ઘરે છાપો માર્યો ત્યારે શરૂઆતમાં કંઈ જ મળ્યું નહીં, પરંતુ જ્યારે બાથરૂમની અંદર તપાસ કરવામાં આવી ત્યારે ખજાનો મળ્યો. એ પણ કમોડની નીચેથી. ટૉઇલેટ એટલી ચતુરાઈથી બનાવવામાં આવ્યું હતું કે પહેલી નજરે જોતાં ખબર જ ન પડે કે આ દારૂનો સ્ટોરરૂમ છે. જોકે એ ટૉઇલેટ કોઈ વાપરતું નહોતું એટલે પોલીસને શંકા ગઈ. તેમણે કમોડની અંદર હાથ નાખીને દારૂની બૉટલો કાઢવાનું શરૂ કર્યું તો એમાંથી એક પછી એક ૨૯ અંગ્રેજી દારૂની બૉટલો નીકળી હતી. દારૂના ગેરકાનૂની વ્યવસાયને બાથરૂમ ટેક્નૉલૉજી કહેવામાં આવી રહી છે.

