ઇન્જર્ડ પ્લેયરના રિપ્લેસમેન્ટ વિશે આટલી બધી વાતો થઈ રહી છે એ સંપૂર્ણપણે વાહિયાત છે. મને લાગે છે કે ટીમો માટે ઘણી બધી છટકબારી હશે જેનો અધિકારીઓ સામનો કરી શકશે નહીં
બેન સ્ટોક્સ
ભારતીય વિકેટકીપર રિષભ પંતની ઇન્જરી બાદ ટેસ્ટ-ક્રિકેટમાં ઇન્જર્ડ પ્લેયરના રિપ્લેસમેન્ટના નિયમો વિશે વધુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરે પણ વાતને સમર્થન આપતાં કહ્યું છે, ‘ચોક્કસપણે હું એના પક્ષમાં છું. જો અમ્પાયર અને મૅચ-રેફરી ગંભીર ઇન્જરીને ધ્યાનમાં લે છે તો મને લાગે છે કે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એવો નિયમ હોવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તમે રિપ્લેસમેન્ટ પસંદ કરી શકો. કલ્પના કરો કે જો ૧૧ પ્લેયર્સના મુકાબલામાં ૧૦ પ્લેયર્સ સાથે રમવું પડ્યું હોત. એ અમારા માટે કેટલું દુર્ભાગ્યપૂર્ણ હોત.’
ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ આ વિશે કહે છે, ‘ઇન્જર્ડ પ્લેયરના રિપ્લેસમેન્ટ વિશે આટલી બધી વાતો થઈ રહી છે એ સંપૂર્ણપણે વાહિયાત છે. મને લાગે છે કે ટીમો માટે ઘણી બધી છટકબારી હશે જેનો અધિકારીઓ સામનો કરી શકશે નહીં. હું પ્લેયર્સની સુખાકારી અને સલામતી સંપૂર્ણપણે સમજું છું, પણ આવા નિયમોથી બોલર્સ ઇન્જરીનું ખોટું બહાનું કાઢી શકે છે જેથી કોઈ નવો બોલર મેદાન પર લાવી શકાય. મને લાગે છે કે આ વાતચીત બંધ થવી જોઈએ.’
ADVERTISEMENT
દુખાવો એ માત્ર એક ઇમોશન છે : ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ
મૅન્ચેસ્ટર ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે પાંચ પ્લસ વિકેટ લેનાર ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તે મૅચ દરમ્યાન ઇન્જરીને કારણે પીડાનો અનુભવ કરી રહ્યો હતો. તે કહે છે, ‘મારી આગામી ટેસ્ટમાં ન રમવાની શક્યતા નહીંવત્ છે. હું હંમેશાં મારું સર્વસ્વ આપવાનો પ્રયાસ કરીશ. હું જલદી સ્વસ્થ થઈશ અને છેલ્લી ટેસ્ટ રમીશ. મેં ઑલરાઉન્ડર તરીકે મારું કામ કર્યું છે અને આ અઠવાડિયે એ થોડું વધારે થઈ ગયું છે. હું બધા બોલરોને કહું છું કે દુખાવો ફક્ત એક લાગણી છે.’
આ સિરીઝમાં બેન સ્ટોક્સે સૌથી વધુ ૧૭ વિકેટ લીધી છે જે તેના ટેસ્ટ-કરીઅરની એક સિરીઝની સૌથી વધુ વિકેટ પણ છે.
ઇંગ્લૅન્ડની ટેસ્ટ-સ્ક્વૉડમાં થઈ જૅમી ઓવરટનની એન્ટ્રી
ઇંગ્લૅન્ડે ૩૧ જુલાઈથી ચાર ઑગસ્ટ વચ્ચે આયોજિત ભારત સામેની પાંચમી ટેસ્ટ-મૅચ માટે વધુ એક પ્લેયરની સ્ક્વૉડમાં એન્ટ્રી કરાવી છે. ૩૧ વર્ષના જૅમી ઓવરટને ઇંગ્લૅન્ડની ટેસ્ટ-સ્ક્વૉડમાં ફરી વાપસી કરી છે. ઓવરટન સિવાય છેલ્લી મૅચમાં પસંદ કરાયેલા ૧૪ પ્લેયર્સને પણ સ્ક્વૉડમાં જાળવી રાખવામાં આવ્યા છે.
જૅમી ઓવરટને ૨૦૨૨માં લીડ્સમાં ન્યુ ઝીલૅન્ડ સામે પોતાની એકમાત્ર ટેસ્ટ-મૅચ જ રમી હતી જેમાં તેણે બે વિકેટ લીધી હતી અને ૯૭ રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૯૮ મૅચમાં ૨૩૭ વિકેટ લેવાની સાથે તે ૨૪૦૧ રન પણ કરી ચૂક્યો છે. આ વર્ષે તે પહેલી વાર ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી IPLમાં ત્રણ મૅચ રમ્યો હતો જેમાં તેણે એક પણ વિકેટ લીધી નહોતી અને માત્ર ૧૫ રન જ ફટકાર્યા હતા.

