સહાયક કોચ અભિષેક નાયરના કહેવા અનુસાર ટીમ કૉમ્બિનેશનમાં ફિટ ન થતો હોવાથી તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નથી મળ્યું
શુભમન ગિલ
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચોથી ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયન ટીમે ઓપનર્સમાં નૅથન મેકસ્વીનીના સ્થાને સૅમ કૉન્સ્ટૅસને અને બોલર્સમાં ઇન્જર્ડ જોશ હેઝલવુડના સ્થાને સ્કૉટ બોલૅન્ડને ટીમમાં સામેલ કર્યા હતા, જ્યારે ભારતીય ટીમમાં સ્પિનર રવીન્દ્ર જાડેજા સાથે બીજા સ્પિનર તરીકે વૉશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે જેના કારણે ત્રીજા ક્રમે બૅટિંગ કરતા શુભમન ગિલને ડ્રૉપ કરવો પડ્યો છે. પચીસ વર્ષનો શુભમન ગિલ આ ટેસ્ટ-સિરીઝમાં ત્રણ ઇનિંગ્સમાં ૬૦ રન બનાવી શક્યો છે.
જાન્યુઆરી ૨૦૧૯માં ડેબ્યુ બાદ ૩૧ ટેસ્ટ, ૪૭ વન-ડે અને ૨૧ T20 મૅચ રમનાર શુભમન ગિલ મેલબર્નના ઐતિહાસિક મેદાનમાં ૧૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ રમવાનો હતો પણ સહાયક કોચ અભિષેક નાયરના કહેવા અનુસાર ટીમ કૉમ્બિનેશનમાં ફિટ ન થતો હોવાથી તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નથી મળ્યું. તેણે એ વાત કન્ફર્મ કરી હતી કે કૅપ્ટન રોહિત શર્મા છઠ્ઠો ક્રમ છોડી ઓપનિંગ માટે ઊતરી શકે છે જેના કારણે કે. એલ. રાહુલ ત્રીજા ક્રમે શુભમન ગિલના સ્થાને બૅટિંગ કરતો જોવા મળશે.