હિટમૅન અને કિંગ કોહલીને બ્રેટ લીની સલાહ
ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન રોહિત શર્મા બૅટિંગ-પ્રૅક્ટિસ કરતો અને વિરાટ કોહલી ફુટબૉલ રમતો જોવા મળ્યાે હતો.
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બ્રેટ લીએ ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને અનુભવી બૅટ્સમૅન વિરાટ કોહલીને ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મૅચની સિરીઝ પહેલાં કેટલીક સલાહ આપી છે. તેણે એક યુટ્યુબ ચૅનલ પર કહ્યું હતું કે ‘જ્યારે તમારું એક પછી એક ખરાબ પ્રદર્શન હોય છે ત્યારે દબાણ વધે છે. એથી વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓએ ફરીથી સખત પ્રૅક્ટિસ કરવી પડશે. તેઓ ચૅમ્પિયન ખેલાડી છે, કારણ કે મૂળભૂત બાબતો અન્ય કોઈ કરતાં વધુ સારી રીતે કરે છે. તેમણે ફક્ત તેમનો લય ફરીથી શોધવાની જરૂર છે.’
ક્રિકેટમાં રીસેટ બટન દબાવવાનો સંકેત આપતાં બ્રેટ લીએ કહ્યું હતું કે ‘તેમણે ટેક્નિક પર કામ કરવું જોઈએ, ફ્રેશ થવું જોઈએ. બને એટલું ક્રિકેટથી દૂર રહેવું જોઈએ અને પછી ઑસ્ટ્રેલિયા પહોંચીને સખત પ્રૅક્ટિસ કરવી જોઈએ. હું નિશ્ચિતપણે કહી શકું છું કે ઑસ્ટ્રેલિયન ઝડપી બોલરો નવા બૉલ સાથે રોહિત શર્મા સામે ખૂબ જ આક્રમક વલણ અપનાવશે. રોહિત કદાચ થોડો આક્રમક અભિગમ અપનાવી રહ્યો છે. હું કહી શકતો નથી કે તેની બૅટિંગમાં ટેક્નિકલ ખામી છે કે નહીં.’
ADVERTISEMENT
રોહિતે આ વર્ષે ૧૧ ટેસ્ટમાં ૨૯.૪૦ની ઍવરેજથી ૫૮૮ રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ ૬ ટેસ્ટમાં ૨૨.૭૨ની ઍવરેજથી માત્ર ૨૫૦ રન બનાવ્યા છે.