પુષ્ટિમાર્ગનો મુખ્ય આધાર ભાવ પર છે. કોઈ વસ્તુ સ્વભાવે સારી કે ખોટી છે જ નહીં. જેવો ભાવ એની અંદર મૂકીએ તેવી એ વસ્તુ થઈ જાય છે. જેનો ભાવ સુંદર તે માનવ સુંદર. ભાવ વગરનું જીવન મૃત જીવન જેવું છે
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
પુષ્ટિમાર્ગનો મુખ્ય આધાર ભાવ પર છે. કોઈ વસ્તુ સ્વભાવે સારી કે ખોટી છે જ નહીં. જેવો ભાવ એની અંદર મૂકીએ તેવી એ વસ્તુ થઈ જાય છે. જેનો ભાવ સુંદર તે માનવ સુંદર. ભાવ વગરનું જીવન મૃત જીવન જેવું છે. ભાવથી જ પ્રભુનું સાંનિધ્ય અનુભવાય. ભાવને કારણે જ પ્રભુ અપ્રકટ હોવા છતાં પ્રકટ જેવા લાગે છે. ભાવ મહામૂલી ચીજ છે. એના વગર બધી ક્રિયા નકામી, બધી સેવા નકામી, સાધન નકામાં અને બધી પૂજા પણ નકામી. જેણે હૃદયમાં ભાવ રાખી સેવા કરવાનું શીખી લીધું તેનું જીવન સાર્થક થઈ ગયું. ભાવ વગરનું કોઈ પણ કાર્ય કે સેવા પ્રભુને સંતુષ્ટ કરી શકે નહીં. ભાવથી અર્પણ કરાયેલી સેવા પ્રભુ બહુ માનીને સ્વીકારી લે છે.
ભાવ સાથે બીજી મહત્ત્વની વાત છે વિશ્વાસ. પ્રભુ પર અચળ દૃઢ વિશ્વાસ સેવકનું મુખ્ય કર્તવ્ય છે. પ્રભુનો આશ્રય રાખીને, તેને જ સર્વોપરી માનીને, તેની જ કૃતિમાં તેના જ વિધાનમાં અને તેણે આપેલી પ્રત્યેક સ્થિતિમાં આનંદ અને આનંદ જ માનવો જોઈએ. પ્રભુથી અતિરિક્ત બીજું કોઈ સમર્થ છે જ નહીં. પ્રભુ દુઃખનો ભંજક છે, કર્તા, હર્તા, ભર્તા છે; તે રક્ષણકર્તા છે. તેની ઇચ્છા જ સર્વોપરી છે. તેણે જે ધાર્યું છે, જે મારા માટે કર્યું છે અને કરશે, એને હું સંપૂર્ણ ઉત્સાહ અને આનંદથી વધાવી લઈશ, મારી ઇચ્છા એનામાં સમાવી દઈશ આવો અટલ વિશ્વાસ રાખવો.
પ્રભુ ઉપર દૃઢ વિશ્વાસ રાખીએ તો નિષ્ઠા બંધાય. સર્વ કાર્યો કરતાં તેની જ યાદ રહે, તેને જ મોખરે રાખીને બધા વ્યવહાર થાય. હરતાં-ફરતાં, ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં, આરામ લેતાં કે કામમાં જોડાતાં એકમાત્ર પ્રભુ જ આપણી પાસે સદૈવ સર્વત્ર છે એવો ભાવ જાગૃત રહે ત્યારે નિષ્ઠા પાકી થઈ એમ કહેવાય. ભગવન્નિષ્ઠ મનુષ્ય કદી હાયવરાળ કરતો નથી. કદી શોકમગ્ન બનતો નથી, કદી વ્યગ્ર બનતો નથી, કદી ક્રોધ કરતો નથી, કદી ‘મારું શું થશે’ એવી અવિશ્વાસની લાગણી અનુભવતો નથી. તે હંમેશાં પ્રસન્ન રહે છે. નિર્ભય રહે છે. લૌકિક કે વૈદિકમાં તેનું કશું બગડતું નથી. તેનો સંગ દરેક જણ ઇચ્છે છે, કારણ કે તે ભગવન્નિષ્ઠ હોવાથી ભગવાનનું જ ચિંતન કરે છે.
ADVERTISEMENT
બીજે બધેથી રાગ ખેંચી લઈ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કાળે, કોઈ પણ પ્રાણી, પદાર્થ કે ક્રિયામાં આસક્તિ રાખ્યા વિના એકમાત્ર શ્રીહરિમાં જ સર્વભાવપૂર્વક સૌથી અધિક સ્નેહ બાંધવો એનું નામ ભક્તિ. શ્રી હરિ આવી અનન્ય પ્રેમ-ભક્તિથી વશ થાય છે. ભક્તના હૃદયમાં પોતાનું સ્થાન જમાવે છે. ભક્ત વહાલો લાગે છે. ભક્ત ભગવાનમાં બધું જુએ છે અને ભગવાન ભક્તમાં બધું જુએ છે.
- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી