Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ટેસ્ટ-ટીમની વૉલ 2.0એ ક્રિકેટને કહી દીધી અલવિદા

ભારતીય ટેસ્ટ-ટીમની વૉલ 2.0એ ક્રિકેટને કહી દીધી અલવિદા

Published : 25 August, 2025 09:37 AM | Modified : 26 August, 2025 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેક્સ્ટ રણજી ટ્રોફી સીઝન પહેલાં ચેતેશ્વર પુજારાએ તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, જૂન ૨૦૨૩ની WTC ફાઇનલ બાદ ટીમમાં સ્થાન મેળવવામાં કરી રહ્યો હતો સંઘર્ષ

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા


ક્રિકેટના પરંપરાગત ફૉર્મેટમાં એક દાયકાથી વધુ સમયથી ભારત માટે મુખ્ય આધારસ્તંભ રહેલા ચેતેશ્વર પુજારાએ ગઈ કાલે ક્રિકેટનાં તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઑક્ટોબર ૨૦૧૦માં બૅન્ગલોરમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-મૅચથી તેણે ઇન્ટરનૅશનલ કરીઅરની શરૂઆત કરી હતી. જૂન ૨૦૨૩માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ધ ઓવલ ખાતે તેણે ઑસ્ટ્રેલિયા સામે જ પોતાની અંતિમ ટેસ્ટ-મૅચ રમી હતી. એ મૅચ પછી ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા પુજારાએ કૉમેન્ટરીમાં હાથ અજમાવ્યો હતો.


તેણે પોતાની છેલ્લી પ્રોફેશનલ મૅચ ફેબ્રુઆરી ૨૦૨૫માં સૌરાષ્ટ્ર તરફથી રણજી મૅચ દરમ્યાન ગુજરાત સામે રમી હતી. હાલમાં જ તેણે રણજી ટ્રોફીની આગામી સીઝનમાં રમવા માટે તૈયારી બતાવી હતી, પણ તેણે અચાનક રિટાયરમેન્ટ જાહેર કરીને ક્રિકેટ-ફૅન્સને ચોંકાવ્યા હતા. ૩૭ વર્ષના પુજારાએ એક ઇમોશનલ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા રિટાયર થવાની જાહેરાત કરી હતી.



તેણે પોસ્ટમાં લખ્યું કે ‘રાજકોટના નાના શહેરથી આવતા એક નાના છોકરા તરીકે મારાં મમ્મી-પપ્પા સાથે મેં તારાઓને સ્પર્શવાનું લક્ષ્ય રાખ્યું હતું અને ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવાનું સ્વપ્ન જોયું હતું. ત્યારે મને ખબર નહોતી કે આ રમત મને આટલી બધી અમૂલ્ય તકો, અનુભવ, હેતુ, પ્રેમ અને સૌથી વધુ મારા રાજ્ય અને આ મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાની તક આપશે. ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત સમયે અને મેદાન પર ઊતરતી વખતે મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવો એનો ખરેખર અર્થ શું હતો એ શબ્દોમાં વર્ણવવું અશક્ય છે; પરંતુ બધી સારી બાબતોનો અંત થાય જ છે. અપાર કૃતજ્ઞતા સાથે મેં ભારતીય ક્રિકેટનાં તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.’


ડિફેન્સિવ ક્રિકેટ રમીને ભારતની દીવાલ તરીકે જાણીતા થયેલા ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન રાહુલ દ્રવિડની નિવૃત્તિ પછી પુજારાને ભારતીય ટેસ્ટ-ટીમની વૉલ 2.0 કહેવામાં આવતો હતો. વર્ષ ૨૦૨૧માં ગૅબા ટેસ્ટ-મૅચ દરમ્યાન ઑસ્ટ્રેલિયાના ખતરનાક બોલિંગ-અટૅક સામે અગિયાર વખત શરીર પર બૉલના ઘા સહન કરવા છતાં તેણે ૨૧૧ બૉલમાં ૫૬ રન ફટકારીને ઐતિહાસિક ટેસ્ટ અને સિરીઝ જીતવામાં મદદ કરી હતી. તેની પરંપરાગત પદ્ધતિઓ કદાચ સૌથી આકર્ષક ન હોય, પરંતુ ખૂબ અસરકારક હતી. તે ટેસ્ટ-ફૉર્મેટમાં બોલર્સને થકવી દેવામાં માસ્ટર હતો.  

અન્ય ફૉર્મેટમાં કેવો રહ્યો છે ચેતેશ્વર પુજારાનો રેકૉર્ડ?


ચેતેશ્વર પુજારાએ ૨૭૮ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૪૫૭ ઇનિંગ્સમાં ૨૧,૩૦૧ રન ફટકાર્યા છે. ૫૧.૮૨ની ઍવરેજ અને ૫૧.૦૬ની સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરતાં તેણે ૪૧,૭૧૫ બૉલનો સામનો કર્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે ૬૬ સદી, ૮૧ ફિફ્ટી, ૨૬૭૦ ફોર અને ૬૪ સિક્સર પણ ફટકાર્યાં છે.

૧૬૦ કૅચ પકડનાર પુજારાએ સ્પિનર તરીકે માત્ર ફર્સ્ટ ક્લાસ ફૉર્મેટમાં બોલિંગથી સફળતા મેળવી છે. તેણે ૨૩ ઇનિંગ્સમાં ૧૬૬ રન આપીને ૬ વિકેટ લીધી હતી. તેણે સૌરાષ્ટ્ર સિવાય ઇંગ્લૅન્ડની ક્રિકેટ ક્લબ્સ ડર્બીશર, યૉર્કશર, નૉટિંગહૅમશર અને સસેક્સ માટે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી છે.

ચેતેશ્વર પુજારા ભારત માટે ટેસ્ટ સિવાય માત્ર વન-ડે ફૉર્મેટ રમી શક્યો છે. વર્ષ ૨૦૧૩-’૧૪ દરમ્યાન તેણે ભારત માટે પાંચ વન-ડે મૅચમાં માત્ર ૫૧ રન કર્યા હતા. લિસ્ટ-A ક્રિકેટની ૧૩૦ મૅચમાં તેણે ૧૬ સદી અને ૩૪ ફિફ્ટીના આધારે ૫૭૫૯ રન ફટકાર્યા હતા.

તેણે અલગ-અલગ ટુર્નામેન્ટમાં ૭૧ T20 મૅચ પણ રમી છે, જેમાં તેણે એક સદી અને નવ ફિફ્ટી ફટકારી ૧૫૫૬ રન કર્યા છે. IPLમાં તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ (૨૦૦૯-’૧૦), રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (૨૦૧૧થી ૨૦૧૩) અને પંજાબ કિંગ્સ (૨૦૧૪) કુલ ૩૦ મૅચમાં એક ફિફ્ટી ફટકારી ૩૯૦ રન કર્યા હતા.

ચેતેશ્વર પુજારાનો ટેસ્ટ-ક્રિકેટ રેકૉર્ડ

મૅચ

૧૦૩

ઇનિંગ્સ

૧૭૬

રન

૭૧૯૫

બૉલ

૧૬,૨૧૭

ઍવરેજ

૪૩.૬૦

સ્ટ્રાઇક રેટ

૪૪.૩૬

ફિફ્ટી

૩૫

સેન્ચુરી

૧૯

ફોર

૮૬૩

સિક્સર

૧૬

14 આટલામો ભારતીય ક્રિકેટર છે ચેતેશ્વર પુજારા ટેસ્ટ-ક્રિકેટમાં ૧૦૦ ટેસ્ટ-મૅચ રમનાર.

4 આટલામો ભારતીય બૅટર છે ચેતેશ્વર પુજારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૧ હજાર રન કરનાર.

8 આટલામો ભારતીય છે ચેતેશ્વર પુજારા ટેસ્ટમાં ૭૦૦૦+ રન કરનાર.

ચેતેશ્વર પુજારા માટે ક્રિકેટજગત તરફથી પ્રશંસાનો વરસાદ થયો

પુજારા તને ત્રીજા નંબરે રમતાં જોઈને હંમેશાં રાહત મળતી હતી. તું જ્યારે પણ રમ્યો ત્યારે શાંતિ, હિંમત અને ટેસ્ટ-ક્રિકેટ માટે ઊંડો પ્રેમ લઈને આવ્યો. મજબૂત ટે​ક્નિક, ધીરજ અને પ્રેશર હેઠળનો તારો સંયમ ટીમ માટે એક મજબૂત આધારસ્તંભ રહ્યો. - ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર

જ્યારે તોફાન આવ્યું ત્યારે તે મક્કમ રહ્યો, જ્યારે બધી આશાઓ ખોવાઈ ગઈ ત્યારે તે લડ્યો. પુજ્જીને અભિનંદન. -  વર્તમાન ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર

એક પ્લેયર જેણે હંમેશાં દેશ માટે પોતાનું શરીર, મન અને આત્મા લગાવી દીધાં. પુજ્જીને અદ્ભુત કરીઅર માટે ખૂબ-ખૂબ અભિનંદન. - ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહ

અદ્ભુત કરીઅર માટે અભિનંદન. તું આ અદ્ભુત રમતનો મહાન રાજદૂત રહ્યો છે. ક્રિકેટના મેદાન પર તારી બધી સિદ્ધિઓ પર અમને બધાને ગર્વ છે. - ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલે

એક સાચો યોદ્ધા, મારા કોચિંગ-કાર્યકાળ દરમ્યાન તેણે ભારતને સતત પાંચ વર્ષ સુધી નંબર-વન ટીમ બનાવવામાં અને ઑસ્ટ્રેલિયામાં સતત બે સિરીઝ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી - ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રી

તારી સાથે રમવાની દરેક ક્ષણનો આનંદ માણ્યો અને હંમેશાં આપણી ખાસ ટેસ્ટ-જીતને સાથે રાખીને યાદ રાખીશ. બીજી ઇનિંગ્સ માટે શુભકામનાઓ. - ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે

ચેતેશ્વર પુજારાની કરીઅર દૃઢતા અને નિઃસ્વાર્થતાનું એક તેજસ્વી ઉદાહરણ છે. વિરોધી આક્રમણને તોડી પાડવાની તેની ક્ષમતા અને એકાગ્રતાની તેની અપાર શક્તિએ તેને ભારતીય બૅટિંગની કરોડરજ્જુ બનાવ્યો. - BCCI સચિવ દેવજિત સૈકિયા

તારા ડિફેન્સમાં તારી આક્રમતા સ્પષ્ટ હતી અને તેં ભારતને ગૌરવ અપાવ્યું છે. - ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઇરફાન પઠાણ

ચેતેશ્વર પુજારાની પ્રતિભાને પ્રતિબિંબિત કરતા અનોખા રેકૉર્ડ

ચેતેશ્વર પુજારા એક ટેસ્ટ-ઇનિંગ્સમાં ૫૦૦+ બૉલનો સામનો કરનાર એકમાત્ર ભારતીય છે. તેણે વર્ષ ૨૦૧૭માં રાંચીમાં ઑસ્ટ્રેલિયા સામે ૫૨૫ બૉલનો સામનો કરીને ૨૦૨ રન ફટકાર્યા હતા.

ટેસ્ટ-ક્રિકેટમાં એક મૅચના પાંચેય દિવસ બેટિંગ કરનાર ભારતના ત્રણ અને વિશ્વના ઓવરઑલ ૧૩ બૅટર્સમાં તેનો સમાવેશ થાય છે.

ટેસ્ટમાં ત્રીજા ક્રમે બૅટિંગ કરતા સમયે તેણે ભારત માટે રાહુલ દ્રવિડ (૨૮ સદી સાથે ૧૦,૫૨૪ રન) બાદ સૌથી વધુ રન કર્યા છે. ત્રીજા ક્રમે તેણે ૧૮ સદીના સહારે ૬૫૨૯ ટેસ્ટ-રન કર્યા છે.

ઑસ્ટ્રેલિયાના સ્પિનર નૅથન લાયન સામે પુજારાએ સૌથી વધુ ૧૨૯૬ બૉલનો સામનો કર્યો છે. ૫૭૧ રન ફટકારીને પુજારા આ જ સ્પિનરની સામે સૌથી વધુ વખત આઉટ થયો છે. વર્તમાન સદીમાં પુજારા પહેલાં માત્ર જો રૂટે એક બોલર એટલે રવીન્દ્ર જાડેજા સામે સૌથી વધુ ૧૩૦૮ બૉલ રમ્યા છે.

તેણે પોતાની ટેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો હાઇએસ્ટ સ્કોર અનુક્રમે અમદાવાદ તથા રાજકોટમાં ફટકાર્યો છે. ટેસ્ટ-ક્રિકેટમાં નવેમ્બર ૨૦૧૨માં ​ઇંગ્લૅન્ડ સામે ૨૦૬ રનનો સ્કોર કર્યો હતો. જ્યારે જાન્યુઆરી ૨૦૧૩માં તેણે ફર્સ્ટ ક્લાસમાં ૩૫૨ રનનો સ્કોર કર્ણાટક સામે કર્યો હતો.

તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે, જ્યારે પોતાની કરીઅરમાં તેણે ફર્સ્ટ ક્લાસમાં ૧૮ અને ટેસ્ટમાં બે સહિત કુલ ૨૦ ડબલ સેન્ચુરી ફટકારી છે.

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK