કોલંબોમાં શ્રીલંકન ઇલેવન સામેની વૉર્મ-અપ મૅચના બીજા દિવસે ભારતીય બૅટર્સે શાનદાર પ્રદર્શન કર્યું. દેવદત્ત પડિક્કલે ૧૪૨ રનની અણનમ સદી ફટકારી, જ્યારે રવીન્દ્ર જાડેજાએ ૬૩ રન બનાવ્યા.
દેવદત્ત પડિક્કલ ૧૬૪ બૉલમાં ૧૮ ફોરની મદદથી ૧૪૨ રન ઝૂડીને અણનમ રહ્યો હતો.
કોલંબોમાં લોકલ શ્રીલંકન ઇલેવન સામે આયોજિત ત્રણ દિવસની વૉર્મ-અપ મૅચના બીજા દિવસે ભારતીય બૅટર્સનો દબદબો જોવા મળ્યો હતો. લોકલ શ્રીલંકન ઇલેવન ટીમે પહેલા દિવસે કરેલા ૩૬૩/૮ના સ્કોર સાથે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરીને ભારતીય ટીમને દિવસની શરૂઆતમાં જ બૅટિંગ માટે આમંત્રિત કરી હતી.
ભારતીય ટીમ દિવસના અંત સુધીમાં ૯૦ ઓવરમાં ૩૫૭/૬નો સ્કોર કરીને માત્ર ૬ રનથી પાછળ રહી હતી. કૅપ્ટન શુભમન ગિલ આંગળીની ઇન્જરીને કારણે બીજા દિવસે પણ રમી શક્યો નહોતો.
ભારતનો સ્કોર ૬૭/૧ હતો ત્યારે વરસાદને કારણે લંચ-બ્રેક સમય પહેલાં લેવો પડ્યો હતો. ઓપનર યશસ્વી જાયસવાલ પહેલી ઓવરના પહેલા બે બૉલ રમીને ઝીરોના સ્કોર પર કૅચઆઉટ થયો હતો. કે.એલ. રાહુલે ૬૭ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સના આધારે ૪૦ રન કરીને બાજી સંભાળી હતી.
ત્રીજા ક્રમે રમવા આવેલો દેવદત્ત પડિક્કલ ૧૬૪ બૉલમાં ૧૮ ફોરની મદદથી ૧૪૨ રન કરીને અણનમ રહ્યો હતો. ચોથા ક્રમે રમવા આવેલો રવીન્દ્ર જાડેજા ૧૧૭ બૉલમાં ૭ ફોરની મદદથી ૬૩ રન કરીને રિટાયર્ડ હર્ટ થયો હતો. ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ ૧-૧ રન જ્યારે રિષભ પંત બે રનનું જ યોગદાન આપી શક્યો હતો.
માનવ સુથારે ૯૦ બૉલમાં ૪૧ રન અને સારાંશ જૈને ૪૫ બૉલમાં બાવીસ રન કરીને ભારતની લીડ વધારી હતી. અગિયારમા ક્રમે રમવા આવેલો ગુરનૂર બરાડ ૧૮ બૉલમાં બે ફોર અને ૪ સિક્સના આધારે ૩૬ રને અણનમ રમ્યો હતો. દિવસની છેલ્લી ઓવરમાં તેણે ૪ સિક્સ ઝૂડ્યા હતા.
