જોડિયા ભાઈ માર્કો યાન્સેને ૪ વર્ષ ૮ મહિના પહેલા કર્યું હતું ઇન્ટરનૅશનલ ડેબ્યુ
ડુઆન યાન્સેન
નામિબિયામાં આયોજિત ત્રિકોણીય સિરીઝ માટે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે યંગ ક્રિકેટર્સની ટીમ મોકલી છે, જેમાં ઑલરાઉન્ડર માર્કો યાન્સેનના જોડિયા ભાઈ અને ડાબોડી ફાસ્ટ બોલર ડુઆન યાન્સેનને નામિબિયા સામે ડેબ્યુ કરવાની તક મળી હતી. ડુઆને દેશ માટે પહેલી T20 મૅચમાં ભાઈ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું.
માર્કો યાન્સેને જૂન ૨૦૨૨માં રાજકોટમાં ભારત સામે પહેલી ઇન્ટરનૅશનલ T20 મૅચ રમી હતી, જેમાં તેણે ૩૮ રન આપીને એક વિકેટ લેવાની સાથે ૧૭ બૉલમાં ૧૨ રન કર્યા હતા. ડુઆને નામિબિયા સામે પહેલી મૅચમાં ૩૨ રન આપીને બે વિકેટ લેવાની સાથે ૧૭ બૉલમાં અણનમ પચીસ રન કર્યા હતા. જોકે બન્ને ભાઈઓને પહેલી ઇન્ટરનૅશનલ T20 મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
માર્કો અને ડુઆનની ઉંમર એકસરખી ૨૬ વર્ષ ૧૨૦ દિવસ છે. જોકે માર્કોના ઇન્ટરનૅશનલ ડેબ્યુના ૪ વર્ષ ૮ મહિના પછી ડુઆન દેશ માટે પહેલી વખત રમવા ઊતર્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં સંઘર્ષ દરમ્યાન ડુઆનને બે વખત પગનું ફ્રૅક્ચર થયું હતું. એ સમયે તેણે ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધું હતું. પોતાની જાતને સંભાળવા માટે તેણે સાયકોલૉજિસ્ટની પણ જરૂર પડી હતી.
