Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાતત્ય માટે તત્પર ગુજરાત સામે બૅન્ગલોરનો પડકાર

સાતત્ય માટે તત્પર ગુજરાત સામે બૅન્ગલોરનો પડકાર

Published : 30 April, 2026 02:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાર જીત અને ચાર હાર સાથે પાંચમા ક્રમાંકે સંઘર્ષ કરી રહી છે શુભમન ઍન્ડ કંપની...

સાતત્ય માટે તત્પર ગુજરાત સામે બૅન્ગલોરનો પડકાર

સાતત્ય માટે તત્પર ગુજરાત સામે બૅન્ગલોરનો પડકાર


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની ૪૨મી મૅચ રમાશે. ગઈ સીઝનની ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની આજની આ ટક્કર ૨૦૨૨ની વિજેતા ગુજરાત જાયન્ટ્સ માટે ખૂબ જ મહત્વૂપર્ણ છે. ઑલમોસ્ટ અડધી ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે ત્યારે ગુજરાત આઠ મૅચમાંથી ચારમાં જીત અને ચારમાં હાર સાથે પૉઇન્ટ-ટેબલમાં પાંચમાં ક્રમાંકે છે. ટૉપ ફોરમાં પ્રવેશ કરી જળવાઈ રહેવા ગુજરાત માટે હવે દરેક મૅચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આથી તેમને કોઈ પણ ગફલત પરવડે એમ નથી. ગુજરાતે પ્રથમ બન્ને લીગ મૅચમાં હાર સાથે નબળી શરૂઆત કરી હતી પણ ત્યાર બાદ સતત ત્રણ જીત સાથે શાનદાર કમબૅક કર્યું હતું. જોકે ફરી ફસડાઈને મુંબઈ અને બૅન્ગલોર સામે એ હારી ગયું હતું. એ પછી છેલ્લે ચેન્નઈ સામે ૮ વિકેટે સૉલિડ જીત મેળવીને વિજયની રાહ પર પાછું ફર્યું હતું. બૅન્ગલોરે ગઈ સીઝનનું જ ફૉર્મ જાળવી રાખીને ૮માંથી માત્ર બે જ મૅચ ગુમાવી છે અને પૉઇન્ટ-ટેબલમાં એ બીજા સ્થાને છે. આજે ફરી ગુજરાતને હરાવીને એને ટૉપનું સ્થાન હાંસલ કરવાની તક છે.

સોમવારે દિલ્હી સામે જૉશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારે પાવરપ્લેમાં જ ૬ વિકેટ સાથે જે તરખાટ મચાવ્યો હતો એ જોતાં ગુજરાતે આજે એ બન્નેથી ખાસ સાવધ રહેવું પડશે, કેમકે ગુજરાત મોટા ભાગે તેમના ટૉપ-થ્રી બૅટરો શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જૉસ બટલર પર જ દારોમદાર રાખે છે.

આ સીઝનમાં બન્ને વચ્ચેની પ્રથમ ટક્કરમાં ગયા અઠવાડિયે બૅન્ગલોરે ઘરઆંગણે ગુજરાતને સાત વિકેટે હરાવી દીધું હતું. સાઈ સુદર્શનની સેન્ચુરીની મદદથી આપેલો ૨૦૬ રનનો ટાર્ગેટ બૅન્ગલોરે વિરાટ કોહલી  અને દેવદત્ત પડ્ડિકલની હાફ-સેન્ચુરીની મદદથી પ્રમાણમાં સહેલાઈથી ૧૮.૫ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતે કુલ ૨૫ મૅચ રમી છે જેમાંથી ૧૪માં જીત મેળવી છે અને ૧૧ મૅચમાં એણે હાર જોવી પડી છે. આ સીઝનમાં આ મેદાનમાં અત્યાર સુધી રમેલી ૩ મૅચમાંથી બેમાં (રાજસ્થાન અને મુંબઈ) હાર જોવી પડી અને એકમાત્ર કલકત્તા સામે જ જીત મેળવી શક્યા હતા. બીજી તરફ બૅન્ગલોર ગયા વર્ષે આ જ મેદાનમાં પંજાબને હરાવીને વષોર઼્નું મહેણું ભાંગીને પ્રથમ વાર ચૅમ્પિયન બન્યું હતું. આ મેદાનમાં તેમણે કુલ ૬ મૅચ રમી છે જેમાંથી ત્રણમાં જીત અને ત્રણમાં હાર થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK