મલેશિયાને કચડીને ભારતીય પુરુષ હૉકી ટીમે એશિયન ગેમ્સમાં સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો, ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં હવે ડાયરેક્ટ એન્ટ્રી
ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય હૉકી ટીમ.
ભારતીય પુરુષ હૉકી ટીમે ગઈ કાલે રમાયેલી એશિયન ગેમ્સ 2026ની ફાઇનલમાં મલેશિયા સામે શાનદાર વિજય મેળવીને પોતાનો ગોલ્ડ મેડલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે મેન ઇન બ્લુએ એશિયન ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ વખત પોતાનો ખિતાબ જાળવી રાખ્યો છે. આ ગોલ્ડ મેડલ વિજયની સાથે ભારતે ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ માટે પણ સીધું ક્વૉલિફિકેશન મેળવી લીધું છે.
હરમનપ્રીત સિંહના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહી હતી. ગ્રુપ-સ્ટેજની તમામ પાંચ મૅચ જીતીને ભારત પોતાના ગ્રુપમાં ટોચ પર રહ્યું હતું. સેમી-ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ૪-૩થી રોમાંચક વિજય મેળવીને ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં પાકિસ્તાને ૦-૩થી પાછળ રહ્યા બાદ ૩-૩થી બરાબરી કરીને ભારતની આકરી કસોટી કરી હતી.
એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે એક જ એડિશનમાં ભારતની પુરુષ અને મહિલા બન્ને હૉકી ટીમોએ ગોલ્ડ મેડલ જીતવાની અનોખી સિદ્ધિ નોંધાવી હોય. આ અગાઉ ભારતીય મહિલા હૉકી ટીમે ફાઇનલમાં પૅરિસ ઑલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ ચીનની ટીમને પરાજિત કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
એશિયન ગેમ્સમાં ભારતનો પાંચમો ગોલ્ડ
ADVERTISEMENT
એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હૉકી ટીમનો આ એકંદર પાંચમો ગોલ્ડ મેડલ છે. ભારતે આ અગાઉ ૧૯૬૬, ૧૯૯૮, ૨૦૧૪, ૨૦૨૨ અને હવે ૨૦૨૬માં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત ભારતીય ટીમ ૯ વખત (૧૯૫૮, ૧૯૬૨, ૧૯૭૦, ૧૯૭૪, ૧૯૭૮, ૧૯૮૨, ૧૯૯૦, ૧૯૯૪ અને ૨૦૦૨) રનરઅપ રહીને સિલ્વર મેડલ તથા ત્રણ વખત (૧૯૮૬, ૨૦૧૦ અને ૨૦૧૮) બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકી છે.
