ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી કહે છે...
રવિ શાસ્ત્રી, યશસ્વી જાયસવાલ
ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યુમાં યશસ્વી જાયસવાલ માટે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે જ્યારે તે ઑસ્ટ્રેલિયાથી પરત આવશે ત્યારે વધુ સારો બૅટ્સમૅન હશે. તે પહેલેથી જ વર્લ્ડ ક્લાસ બૅટ્સમૅન છે. પર્થની પિચમાં ઘણો બાઉન્સ છે એથી તમે ગમે એટલા પ્રતિભાશાળી હો તો પણ અહીં રમવું સરળ નથી. તમારે આ માટે તૈયાર રહેવું પડશે, પરંતુ જો તે અહીં સફળ થશે તો ભવિષ્યમાં સારું રમશે. તેને આવી પિચો પસંદ છે અને તે મુક્તપણે રન બનાવી શકે છે. તે ઘણા પડકારોનો સામનો કરીને આવ્યો છે એથી ભૂખ અને જુસ્સો તેની આંખોમાં અને મેદાન પર પણ દેખાય છે. તે રમતમાં ડૂબી જવા માગે છે.’
કાંગારૂઓને તેમની જ ધરતી પર બે વાર BGT સિરીઝમાં હરાવનાર ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ શાસ્ત્રીનું માનવું છે કે ઑસ્ટ્રેલિયાને એની ધરતી પર હરાવવું સરળ નથી. ફૉર્મમાં પરત ફરવા ભારતીય ટીમ અને વિરાટ કોહલી માટે પહેલી બે ટેસ્ટ મહત્ત્વની રહેશે એ વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
ADVERTISEMENT
ઘરઆંગણે અને વિદેશમાં કેવો રહ્યો છે યશસ્વીનો ટેસ્ટ-રેકૉર્ડ?
ઘરઆંગણે યશસ્વીએ ૧૦ ટેસ્ટની ૧૯ ઇનિંગ્સમાં બે સેન્ચુરી અને સાત ફિફ્ટીની મદદથી ૧૦૯૧ રન ફટકાર્યા છે. તેનો હાઇએસ્ટ સ્કોર ૨૧૪ રનનો રહ્યો છે. વિદેશની ધરતી પર તે માત્ર ચાર ટેસ્ટ રમ્યો છે જેમાં તેણે એક સેન્ચુરી અને એક ફિફ્ટીની મદદથી ૩૧૬ રન ફટકાર્યા છે જેમાં તેણે ૧૭૧ રનની મોટી ઇનિંગ્સ રમી છે. ૨૦૨૩ના જુલાઈમાં ટેસ્ટ-ડેબ્યુ અને ઑગસ્ટમાં T20 ડેબ્યુ કરનાર યશસ્વી પહેલી વાર ઑસ્ટ્રેલિયન ધરતી પર રમશે.