બીજા દિવસે વધુ એક કાંગારૂ બૅટરની સેન્ચુરી, જોશ ફિલિપે ૮૭ બૉલમાં ૪ સિક્સર અને ૧૮ ફોર સાથે ફટકાર્યા અણનમ ૧૨૩ રન
નારાયણ જગદીસને ૫૦ રન કર્યા હતા
લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત અને ઑસ્ટ્રેલિયા-A ટીમ વચ્ચે પ્રથમ અનઑફિશ્યલ ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચના ગઈ કાલે બીજા દિવસે મહેમાન કાંગારૂ ટીમે વિકેટકીપર જોશ ફિલિપની આક્રમક સેન્ચુરી (૮૭ બૉલમાં ૪ સિક્સર અને ૧૮ ફોર સાથે અણનમ ૧૨૩ રન)ના જોરે પ્રથમ ઇનિંગ્સ ૬ વિકેટે ૫૩૨ રને ડિક્લેર કરી દીધી હતી. પ્રથમ દિવસે કાંગારૂ ટીમ વતી ઓપનર બૅટર સૅમ કૉન્સ્ટૅસે સેન્ચુરી (૧૦૯ રન) ફટકારી હતી. જવાબમાં ભારતીય ટીમે ૮૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ વડે મજબૂત શરૂઆત કરી દિવસના અંત સુધીમાં ૧ વિકેટે ૧૧૬ રન બનાવી લીધા હતા. ઓપનર અભિમન્યુ ઈશ્વરન ૫૮ બૉલમાં ૪૪ રન બનાવી આઉટ થઈ ગયો હતો. સાથી ઓપનર નારાયણ જગદીસન ૫૦ અને વન-ડાઉન બૅટર સાઈ સુદર્શન ૨૦ રન બનાવીને અણનમ રહ્યા હતા.

