આવતી કાલે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બીજી મૅચ
ગઈ કાલે ઍડીલેડમાં શ્રેયસ ઐયર સાથે ચર્ચા કરતો ગૌતમ ગંભીર
ઍડીલેડમાં બે દિવસના વરસાદી વાતાવરણની આગાહી વચ્ચે ગઈ કાલે ટીમ ઇન્ડિયાએ બીજી વન-ડે મૅચ માટેની તૈયારી શરૂ કરી હતી. આવતી કાલે સિરીઝની બીજી વન-ડે મૅચ દરમ્યાન અહીં વરસાદની શક્યતા ઓછી છે. કાંગારૂ ટીમ ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ હોવાથી શુભમન ગિલ ઍન્ડ કંપની માટે આ મૅચ કરો યા મરો જેવી છે.
આ સ્ટેડિયમમાં નવેમ્બર ૨૦૨૪ બાદ પહેલી વખત મેન્સ વન-ડે મૅચ રમાશે. ભારત અહીં વન-ડે ફૉર્મેટમાં છેલ્લે જાન્યુઆરી ૨૦૧૯માં રમ્યું હતું. ઑસ્ટ્રેલિયા અહીં ૫૪ વન-ડે રમ્યું છે જેમાં એને ૩૭ જીત અને ૧૭ હાર મળી છે. ભારત આ મેદાન પર ૧૫ વન-ડે રમ્યું છે જેમાં એને ૯ જીત અને પાંચ હાર મળી છે, જ્યારે એક મૅચ ટાઇ રહી હતી. ફેબ્રુઆરી ૨૦૦૮માં ભારત અહીં છેલ્લી વખત વન-ડે હાર્યું હતું. ત્યાર બાદ ટીમ ઇન્ડિયા આ મેદાન પર પાંચ વન-ડે મૅચ રમ્યું જેમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મૅચ પણ સામેલ છે. એક ટાઇ મૅચ સહિત ભારત ૧૭ વર્ષથી વન-ડે ફૉર્મેટમાં આ મેદાન પર અપરાજિત રહ્યું છે.
ઍડીલેડમાં વિરાટ કોહલીનો જબરદસ્ત રેકૉર્ડ
ઍડીલેડ ઓવલના ગ્રાઉન્ડ પર વિરાટ કોહલી પાંચ સદીના આધારે ૧૭ ઇનિંગ્સમાં ૯૭૫ ઇન્ટરનૅશનલ રન ફટકારી ચૂક્યો છે. તે અહીં ૧૦૦૦ રન કરનાર પહેલો વિદેશી બૅટર બનવાથી માત્ર પચીસ રન દૂર છે. તેણે ટેસ્ટ-ફૉર્મેટની ૧૦ ઇનિંગ્સમાં ત્રણ સદીની મદદથી ૫૨૭ અને T20ની ત્રણ ઇનિંગ્સમાં ત્રણ ફિફ્ટીના આધારે અહીં ૨૦૪ રન કર્યા છે. વન-ડે ફૉર્મેટની ચાર ઇનિંગ્સમાં બે સદીના આધારે તેણે ૨૪૪ રન ફટકાર્યા હતા.

