આયરલૅન્ડ, ઇંગ્લૅન્ડની ટૂર અને એશિયન ગેમ્સ માટે ભારતીય T20 ટીમની જાહેરાત : શ્રેયસ ઐયર કૅપ્ટન અને તિલક વર્મા વાઇસ-કૅપ્ટન : ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીનો પહેલી વાર સિનિયર ટીમમાં સમાવેશ, બે સિરીઝમાં આરામ કર્યા બાદ જસપ્રીત બુમરાહ એશિયન ગેમ્સમાં રમશે
T20માં સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીનો રેકૉર્ડ
મેન્સ T20 વર્લ્ડ કપ 2028 અને ઑલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય T20 ટીમના નેતૃત્વમાં મોટો ફેરફાર કર્યો છે. ૩૫ વર્ષના સૂર્યકુમાર યાદવના સ્થાને ૩૧ વર્ષના શ્રેયસ ઐયરને કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે વાઇસ-કૅપ્ટનનું પદ ૩૨ વર્ષના અક્ષર પટેલને બદલે હવે ૨૩ વર્ષનો તિલક વર્મા સંભાળશે. શ્રેયસ ઐયરને IPLમાં પંજાબ કિંગ્સ માટેની શાનદાર કૅપ્ટન્સીને લીધે આ જવાબદારી મળી છે. તે છેલ્લે ભારત માટે ડિસેમ્બર ૨૦૨૩માં T20 મૅચ રમ્યો હતો અને હવે કૅપ્ટન તરીકે તેની ટીમમાં વાપસી થશે.
૨૦૨૪માં ફીલ્ડર તરીકે ફાઇનલમાં અફલાતૂન કૅચ પકડીને અને ૨૦૨૬માં કૅપ્ટન તરીકે ભારતીય ટીમને મેન્સ T20 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરનાર સૂર્યકુમાર યાદવ પાસેથી કૅપ્ટન્સી છીનવીને તેના વર્તમાન ફૉર્મને ધ્યાનમાં રાખીને ટીમમાંથી પણ ડ્રૉપ કરવામાં આવ્યો છે. અગાઉ ૨૦૨૫ની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્મા પાસેથી પણ કૅપ્ટન્સી છીનવી લઈને ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ માટે શુભમન ગિલને કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ગઈ કાલે મુંબઈમાં ભારતીય ક્રિકેટ બોર્ડના હેડક્વૉર્ટરમાં સચિવ દેવજિત સૈકિયા અને ચીફ સિલેક્ટર અજિત આગરકરે જે ત્રણ T20 સ્ક્વૉડ જાહેર કરી હતી એ તમામમાં બિહારના ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું છે. IPL 2026ના ઑરેન્જ કૅપ હોલ્ડર વૈભવ સૂર્યવંશીને પહેલી વખત ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. ભારત આયરલૅન્ડ સામે ૨૬થી ૨૮ જૂન વચ્ચે બે T20, ઇંગ્લૅન્ડ સામે ૧થી ૧૧ જુલાઈ વચ્ચે પાંચ T20 અને એશિયન ગેમ્સમાં સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં રમશે.
વર્લ્ડ કપ જીત્યા બાદ સૂર્યાને કૅપ્ટન્સીમાંથી હટાવવો એક મુશ્કેલ નિર્ણય હતો. જોકે આગળ વધવાનો આ જ શ્રેષ્ઠ માર્ગ હતો. શ્રેયસ ખૂબ સક્ષમ કૅપ્ટન છે. - ચીફ સિલેક્ટર અજિત આગરકર
T20માં સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીનો રેકૉર્ડ
સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારત ૮ દ્વિપક્ષીય સિરીઝ, એક એશિયા કપ અને એક T20 વર્લ્ડ કપ જેવાં મોટાં ટાઇટલ જીત્યું છે. અત્યાર સુધી સૂર્યાએ કૅપ્ટન તરીકે બાવનમાંથી ૪૨ મૅચ જિતાડી છે, આઠમાં હાર મળી છે અને બે મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. શ્રેયસ ઐયર ૧૧૪ T20 મૅચમાં કૅપ્ટન્સી કરીને ૬૮ મૅચ જીત્યો છે અને ૪૬ મૅચ હાર્યો છે. IPLમાં ત્રણ ટીમને ફાઇનલ સુધી લઈ જવાનો રેકૉર્ડ પણ તેના નામે છે. ૨૦૨૪માં મુંબઈ તેની આગેવાનીમાં T20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીત્યું હતું.
વન-ડે સ્ક્વૉડમાં સ્થાન મેળવનાર યંગ ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સિરીઝમાં ૧૬મા ખેલાડી તરીકે સ્ક્વૉડમાં સામેલ છે. બે સિરીઝના આરામ બાદ અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ડાયરેક્ટ એશિયન ગેમ્સમાં T20 ટીમ સાથે જોડાશે. પહેલી બે સિરીઝમાં તેના સ્થાને મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું છે.
હાલમાં વર્લ્ડ કપ જીતનાર ભારતીય સ્ક્વૉડમાં રિન્કુ સિંહ, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાનું નામ નથી જોવા મળ્યું. નીતીશ કુમાર રેડ્ડી, રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણા ટીમમાં વાપસી કરશે. ભારતનો વન-ડે અને ટેસ્ટ-ફૉર્મેટનો કૅપ્ટન શુભમન ગિલ IPLના શાનદાર પ્રદર્શન છતાં ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.
વૈભવ સૂર્યવંશી ભારતીય મેન્સ ટીમમાં સિલેક્ટ થનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો, સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડ્યો
વૈભવ સૂર્યવંશી ભારતીય મેન્સ સિનિયર ટીમમાં પસંદગી પામનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. ૧૫ વર્ષ અને ૭૧ દિવસની ઉંમરે તેને ભારતની T20 સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. તેણે અગાઉનો સચિન તેન્ડુલકરનો ૩૬ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. અગાઉ સચિન તેન્ડુલકર ૧૯૮૯માં ૧૬ વર્ષની ઉંમરે પાકિસ્તાન સામેની ટેસ્ટ-સિરીઝ માટે સિલેક્ટ થયો હતો. વૈભવ સૂર્યવંશીના સિલેક્શન બાદ બિહારમાં તેના ઘરમાં ફૅમિલી અને ફૅન્સે કરેલી ઉજવણીના વિડિયો વાઇરલ થયા હતા. વૈભવ ૯થી ૨૧ જૂન વચ્ચે શ્રીલંકામાં ભારતની A ટીમ સાથે વન-ડે ત્રિકોણીય સિરીઝ રમતો જોવા મળશે.
ભારતીય ક્રિકેટમાં સૂર્યા-યુગનો અસ્ત?
સૂર્યકુમાર યાદવે ભારત માટે ૧૧૩ T20 મૅચમાં ૩૬.૩૫ની ઍવરેજથી ૪ સદીના આધારે ૩૨૭૨ રન કર્યા છે. માત્ર એક પ્લેયર તરીકે તેણે ૬૧ મૅચમાં ૪૩.૪ની ઍવરેજથી ૨૦૪૦ રન કર્યા હતા. જોકે કૅપ્ટન બન્યા બાદ તેણે બાવન મૅચમાં ૨૮.૬૫ની ઍવરેજથી ૧૨૩૨ રન કર્યા હતા. એશિયા કપ 2025માં તેણે ૭ મૅચમાં ૧૮ની ઍવરેજથી ૭૨ રન કર્યા હતા. મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં તેણે ૯ મૅચમાં ૩૦.૨૫ની ઍવરેજથી ૨૪૨ રન કર્યા હતા.
સૂર્યા ભારત માટે ૨૦૨૩માં માત્ર એક ટેસ્ટ-મૅચ રમ્યો હતો અને ૨૦૨૧થી ૨૦૨૩ વચ્ચે ૩૭ વન-ડે મૅચ રમ્યો હતો. હાલમાં ભારતીય સ્ક્વૉડમાં તેની એન્ટ્રીની શક્યતા ન હોવાથી ભારતીય ક્રિકેટમાં સૂર્યા-યુગનો અસ્ત થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે.
સૂર્યકુમાર યાદવે ટીમ અને વૈભવને શુભકામના આપી
ટીમમાંથી બહાર થયા પછી અને T20 કૅપ્ટન્સી ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવે સોશ્યલ મીડિયા પોસ્ટમાં ટીમ ઇન્ડિયાને આવનારા પડકાર માટે શુભકામના પાઠવી છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં તેણે ટીમ માટે લખ્યું હતું કે આ ઉચ્ચ ટૅલન્ટવાળી ટીમને આવનારા પડકાર માટે શુભેચ્છા. વૈભવ સૂર્યવંશી માટે તેણે લખ્યું હતું, ‘આખરે તને આ મળ્યું. તારી સફરને અનુસરવા માટે ખૂબ જ ઉત્સાહી છું.’
આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ ટૂર માટેની T20 સ્ક્વૉડ : શ્રેયસ ઐયર (કૅપ્ટન), તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સૅમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી.
એશિયન ગેમ્સ માટેની T20 સ્ક્વૉડ: શ્રેયસ ઐયર (કૅપ્ટન), તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, સંજુ સૅમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, વૈભવ સૂર્યવંશી.
