ઑસ્ટ્રેલિયા સામેની અન્ડર-19 વન-ડે સિરીઝ માટે ભારતની ટીમ જાહેર થઈ છે. આર્યવીર સેહવાગને પહેલી વાર ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે અન્વય દ્રવિડ સાથે તે મેદાન પર જોવા મળશે.
જુનિયર દ્રવિડ અને સેહવાગ એકસાથે રમશે ભારતની અન્ડર-19 ટીમમાં
ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમ આગામી ૧૮ સપ્ટેમ્બરથી ૮ ઑક્ટોબર દરમ્યાન રાજકોટ અને અમદાવાદમાં રમવા આવશે. વન-ડે અને મલ્ટિ-ડે મૅચની સિરીઝ માટે ગઈ કાલે ભારતની અન્ડર-19 સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી હતી. વન-ડે સિરીઝમાં ઉતરાખંડનો લક્ષ્ય રાયચંદાની કૅપ્ટન અને નાગાલૅન્ડનો યશવર્ધન ચૌહાણ વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે. મલ્ટિ-ડે સિરીઝમાં બન્ને વચ્ચે આ ભૂમિકાઓ રિવર્સ થશે.
ભારતીય અન્ડર-19 ટીમ માટે ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં જુનિયર દ્રવિડ અને સેહવાગ એકસાથે ભારત માટે રમતા જોવા મળશે. વીરેન્દર સેહવાગના મોટા દીકરા આર્યવીર સેહવાગને પહેલી વાર ભારતની અન્ડર-19 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે રાહુલ દ્રવિડનો નાનો દીકરો અન્વય દ્રવિડ જુલાઈમાં શ્રીલંકા ટૂર દરમ્યાન ભારત માટે પ્રતિભાશાળી દેખાવ કરી ચૂક્યો છે. બે મલ્ટિ-ડે મૅચ માટે બન્નેમાંથી કોઈની પસંદગી કરવામાં આવી નથી.
