આ મામલે વાગળે એસ્ટેટ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
થાણે-વેસ્ટના ટેમ્ભી નાકા પર ઉથલસર રોડ નજીક થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) સંચાલિત થાણે સિવિલ હૉસ્પિટલમાંથી માનવતાને શરમાવે એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હૉસ્પિટલના બીજા માળે આવેલા સર્જિકલ ઇન્ટેન્સિવ કૅર યુનિટના મહિલા શૌચાલયમાંથી અજાણી વ્યક્તિ દ્વારા ત્યજી દેવાયેલું નવજાત શિશુ જીવંત હાલતમાં મળી આવ્યું હતું. આ મામલે વાગળે એસ્ટેટ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં સફાઈ-કર્મચારી તરીકે કામ કરતી શ્રુતિ માને બુધવારે બપોરે ૩.૪૫ વાગ્યે શૌચાલયની સફાઈ કરવા ગઈ હતી. એ સમયે તેને ડાબી બાજુના શૌચાલયમાંથી બાળકના રડવાનો અને હિલચાલ કરવાનો અવાજ સંભળાયો હતો. તેણે તાત્કાલિક હૉસ્પિટલના સ્ટાફ-મેમ્બર્સને બોલાવ્યા હતા. તેમણે બાળકને હૉસ્પિટલના લેબર વૉર્ડમાં સારવાર માટે ખસેડ્યું હતું, જ્યાં તેની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અમે નવજાત બાળકને ત્યજી દેનાર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. હાલ હૉસ્પિટલના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસીને આરોપીની માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યા છે.’
