Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી ભારત અને અફઘાનિસ્તાન ૮ વર્ષે ટેસ્ટ-મૅચમાં ટકરાશે

આજથી ભારત અને અફઘાનિસ્તાન ૮ વર્ષે ટેસ્ટ-મૅચમાં ટકરાશે

Published : 06 June, 2026 10:15 AM | IST | New Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અફઘાનિસ્તાને ભારત સામે કરી હતી આ ફૉર્મેટમાં રમવાની શરૂઆત, તેઓ ૧૨ ટેસ્ટ-મૅચમાંથી ૪ જીત્યા છે

ભારતનો કૅપ્ટન શુભમન ગિલ, અફઘાનિસ્તાનનો કૅપ્ટન હશમતુલ્લા શાહિદી

ભારતનો કૅપ્ટન શુભમન ગિલ, અફઘાનિસ્તાનનો કૅપ્ટન હશમતુલ્લા શાહિદી


ન્યુ ચંડીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ-મૅચની શરૂઆત થશે. એક તરફ ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનના આગળના શેડ્યુલ માટેની તૈયારી માટે ઊતરશે તો બીજી તરફ અફઘાનિસ્તાન ટેસ્ટ-ક્રિકેટમાં પોતાની ઓળખ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

અફઘાનિસ્તાન જૂન ૨૦૧૮માં પોતાની પહેલી ટેસ્ટ-મૅચ ભારત સામે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમ્યું હતું. એ મૅચમાં ભારતે ૪૭૪ રન કર્યા હતા અને જવાબમાં અફઘાનિસ્તાન પહેલી ઇનિંગ્સમાં ૧૦૯ રન કરી શક્યું હોવાથી એને ફૉલો-ઑન મળ્યું હતું અને બીજા દાવમાં ટીમ ૧૦૩ રનમાં ઢેર થતાં ભારતે એક ઇનિંગ્સ અને ૨૬૨ રનની વિશાળ જીત મેળવી હતી. ત્યાર બાદ બન્ને ટીમ વચ્ચે આજે બીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે.



એક ઇનિંગ્સ અને ૨૬૨ રનની ભારતની સૌથી મોટી ટેસ્ટ-જીતનો રેકૉર્ડ એ જ વર્ષે ઑક્ટોબરમાં તૂટ્યો હતો. એ સમયે ભારતીય ટીમે રાજકોટમાં વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને ૨૭૨ રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાન ૧૨ ટેસ્ટ-મૅચમાંથી ૪ જીત્યું છે અને ૭ હાર્યું છે. જ્યારે એક ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. ભારત ૧૯૩૨થી ૨૦૨૫ વચ્ચે ૫૯૮ ટેસ્ટ-મૅચ રમ્યું છે અને એમાંથી ૧૬૫માં જીત્યું છે, ૧૮૮માં હાર્યું છે, ૨૨૪ ડ્રૉ અને એક ટાઇ થઈ છે.


ટેસ્ટ-મૅચમાં વચ્ચે પિન્ક બૉલનો ઉપયોગ કરવાનો નિર્ણય મને ખરેખર ગમ્યો. આ ખૂબ પ્રોઍક્ટિવ નિર્ણય છે. આ નિર્ણયને તમામ ટીમોએ પૉઝિટિવ થઈને આવકારવો જોઈએ.  - ભારતનો હેડ કોચ ગૌતમ ગંભીર 

અફઘાનિસ્તાનની ટીમ કરતાં ૧૦ ગણાથી વધુ વિકેટ-રનનો રેકૉર્ડ ધરાવે છે ભારતીય સ્ક્વૉડ  


અફઘાનિસ્તાનની વર્તમાન સ્ક્વૉડના ખેલાડીઓએ ટેસ્ટ-મૅચમાં માત્ર ૧૩ વિકેટ લીધી છે, જ્યારે ભારતની વર્તમાન સ્ક્વૉડના ખેલાડીઓએ ૨૮૧ વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજ ટેસ્ટ-ફૉર્મેટમાં ૧૩૯ વિકેટ સાથે આ મૅચમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. વર્તમાન અફઘાનિસ્તાનની સ્ક્વૉડે માત્ર ૨૩૮૮ રન કર્યા છે જે ભારતીય કૅપ્ટન શુભમન ગિલના ટેસ્ટ-ફૉર્મેટના ૨૮૪૩ રન કરતાં ઓછા છે. ભારતની વર્તમાન ટેસ્ટ-સ્ક્વૉડના ખેલાડીઓએ ૧૪,૫૫૫ રન કર્યા છે. ૪૦૫૩ રન સાથે કે. એલ. રાહુલ સૌથી અનુભવી ખેલાડી છે. 

બે દાયકામાં ભારતને દસમું ટેસ્ટ-વેન્યુ મળશે

નવા બનેલા મુલ્લાંપુર સ્ટેડિયમમાં ૨૦૨૫માં એક મેન્સ T20 મૅચ અને બે વિમેન્સ વન-ડે મૅચ રમાઈ હતી. આજે મુલ્લાંપુર સ્ટેડિયમ ભારતનું ૩૧મું ટેસ્ટ-વેન્યુ બનશે. ૨૦૦૮થી હમણાં સુધી ભારતને નાગપુર, હૈદરાબાદ, ઇન્દોર, રાજકોટ, વિશાખાપટનમ, પુણે, રાંચી, ધરમશાલા જેવાં ટેસ્ટ-વેન્યુ મળ્યાં છે. 

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 10:15 AM IST | New Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK