અફઘાનિસ્તાન સામે ૧૫૪ રન ફટકારીને શુભમન ગિલે ભારત તરફથી પોતાની ૨૧મી સદી નોંધાવી હતી
શુભમન ગિલ
બુધવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ સખત ગરમી વચ્ચે બીજી વન-ડે મૅચ રમ્યા હતા. ભારતના વન-ડે કૅપ્ટન તરીકે પહેલી વખત સદી ફટકારીને શુભમન ગિલે પહેલી વખત વન-ડે સિરીઝ પોતાને નામે કરી હતી.
અફઘાનિસ્તાન સામે ૧૫૪ રન ફટકારીને શુભમન ગિલે ભારત તરફથી પોતાની ૨૧મી સદી નોંધાવી હતી. બૅટિંગ દરમ્યાન તેણે ગળામાં સફેદ પટ્ટો બાંધ્યો હતો. તે એક કૂલિંગ નેક ટુવાલ હતો. એની અંદર રિંગ આકારનું આઇસ-પૅક હતું. એના કારણે રમત દરમ્યાન ખેલાડીઓના શરીરનું તાપમાન ઘટે છે. એનાથી દુખાવામાં પણ રાહત મળે છે.
ADVERTISEMENT
શુભમને ત્રણ અઠવાડિયાંમાં ત્રણ ફૉર્મેટમાં ફટકારી સદી
૨૯ મેએ IPL 2026ની ક્વૉલિફાયર-ટૂ મૅચ દરમ્યાન રાજસ્થાન રૉયલ્સ સામે ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે ૫૩ બૉલમાં ૧૦૪ રન કર્યા હતા. ૬ જૂને તેણે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ-મૅચમાં ૧૭૭ બૉલમાં ૧૨૬ રન કર્યા. અને હવે ૧૭ જૂને તેણે અફઘાનિસ્તાન સામે વન-ડેમાં ૧૧૦ બૉલમાં ૧૫૪ રન ઝૂડ્યા હતા.
પીયૂષ ચાવલા બાદ ગુરનૂર બરાડે પણ પહેલી બે વન-ડે મૅચમાં લીધી ત્રણ-ત્રણ વિકેટ

પંજાબના ૨૬ વર્ષના ફાસ્ટ બોલર ગુરનૂર બરાડે અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં ભારત તરફથી ડેબ્યુ કરીને ઇતિહાસ રચ્યો છે. પહેલી બન્ને મૅચમાં ત્રણ-ત્રણ વિકેટ લઈને ૬ ફુટ પાંચ ઇંચના આ ખેલાડીઓ પોતાની જાતને સાબિત કરી છે.
વન-ડે ફૉર્મેટની પહેલી બન્ને મૅચમાં ટીમ માટે ત્રણ-ત્રણ વિકેટ લેવા મામલે ગુરનૂર બરાડે ભૂતપૂર્વ સ્પિનર પીયૂષ ચાવલાની બરાબરી કરી છે. ૨૦૦૭માં પીયૂષ ચાવલાએ વન-ડે કરીઅરની શરૂઆતની બન્ને મૅચમાં બંગલાદેશ અને આયરલૅન્ડ સામે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ભારત માટે પહેલી બન્ને વન-ડે મૅચમાં ત્રણ-ત્રણ વિકેટ લેનાર ગુરનૂર બરાડે પહેલો પેસ બોલર બન્યો છે.
