ચાર વન-ડેમાંથી ત્રણમાં ભારત રહ્યું છે વિજેતા, એક મૅચ ટાઇ થઈ છે, આજે ૧૩ જૂને ધરમશાલામાં, બીજી ૧૭ જૂને લખનઉમાં અને ત્રીજી ૨૦ જૂને ચેન્નઈમાં રમાશે. બન્ને ટીમ વચ્ચે પહેલી વખત વન-ડે સિરીઝ રમાશે.
ધરમશાલામાં ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ભારતનો ઓપનર અને ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા, પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે અફઘાનિસ્તાનનો કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને રહમત શાહ.
આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થશે. આજે ૧૩ જૂને ધરમશાલામાં, બીજી ૧૭ જૂને લખનઉમાં અને ત્રીજી ૨૦ જૂને ચેન્નઈમાં રમાશે. બન્ને ટીમ વચ્ચે પહેલી વખત વન-ડે સિરીઝ રમાશે. આ હરીફો એકમાત્ર દ્વિપક્ષીય સિરીઝ T20 ફૉર્મેટમાં જ રમ્યા છે. ત્રણેય ફૉર્મેટની ૧૫ મૅચમાં અફઘાનિસ્તાન ભારતને ક્યારેય હરાવી નથી શક્યું.
ભારત અને અફઘાનિસ્તાન વન-ડે ટુર્નામેન્ટમાં ચાર વખત સામસામે રમ્યા છે. ૨૦૧૪ના એશિયા કપ વખતે ભારતે ૮ વિકેટે જીત મેળવી હતી. ૨૦૧૮ના એશિયા કપની મૅચ ૨૫૨ રનના સ્કોરે ટાઈ થઈ હતી. ૨૦૧૯ અને ૨૦૨૩ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન અનુક્રમે ૧૧ રને અને ૮ વિકેટે હાર્યું હતું.
વિરાટ કોહલીની હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે સ્ક્વૉડમાં યશસ્વી જાયસવાલને સામેલ કરવામાં આવ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષ પહેલાં ભારત માટે વન-ડે મૅચ રમનાર ઈશાન કિશન ટૉપ ફોરમાં ગમે ત્યાં બૅટિંગ કરવાની ક્ષમતાને કારણે ફરી પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકે છે.
ઇન્જર્ડ હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં પોતાની જાતને ઑલરાઉન્ડર તરીકે સાબિત કરવાની નીતીશ કુમાર રેડ્ડી પાસે સારી તક છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો હોવાથી યંગ ફાસ્ટ બોલર ગુર્નુર બ્રાર અને પ્રિન્સ યાદવ ડેબ્યુ કૅપ મળે એવી આશા રાખશે.
શુભમન ગિલ પાસે વન-ડે કૅપ્ટન્સીનો રેકૉર્ડ સુધારવાની ઉત્તમ તક
ચૅમ્પિયન ટ્રોફી 2025 બાદ રોહિત શર્મા પાસેથી વન-ડે કૅપ્ટન્સી છીનવીને શુભમન ગિલને સોંપવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી ભારત શુભમન ગિલની આગેવાનીમાં ૬ વન-ડે મૅચ રમ્યું છે એમાંથી માત્ર બેમાં જીત અને ચારમાં હાર મળી છે.
તેની આગેવાનીમાં ભારત ઑસ્ટ્રેલિયામાં ૨-૧થી અને ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ સામે પણ ૨-૧થી વન-ડે સિરીઝ હાર્યું હતું. શુભમન ગિલ પાસે હવે કૅપ્ટન તરીકે પોતાની પહેલી વન-ડે સિરીઝ જીતવાનો અને વન-ડે કૅપ્ટન્સીનો રેકૉર્ડ સુધારવાની સારી તક છે.
ADVERTISEMENT
ધરમશાલામાં કેવો રહ્યો છે બન્ને ટીમનો રેકૉર્ડ?
હિમાચલ પ્રદેશના ધરમશાલામાં ઑક્ટોબર ૨૦૨૩ બાદ વન-ડે મૅચ રમાશે. ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ વખતે અફઘાનિસ્તાન અહીં બંગલાદેશ સામે રમ્યું હતું અને ૬ વિકેટે હાર્યું હતું. ભારત આ મેદાન પર પાંચ વન-ડેમાંથી ત્રણ મૅચ જીત્યું છે અને બેમાં ૨૦૧૪ અને ૨૦૧૬માં એને હાર મળી હતી. આ મેદાન પર અફઘાનિસ્તાન અને ભારત પહેલી વખત વન-ડે મૅચ રમશે.
વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ બાદ બન્ને ટીમનો દેખાવ
૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ બાદ ભારત ૬ વન-ડે સિરીઝ રમ્યું છે અને એમાંથી સાઉથ આફ્રિકા સામેની બન્ને અને ઇંગ્લૅન્ડ સામેની એક સિરીઝમાં જીત મળી હતી તથા શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં હાર મળી હતી. વર્લ્ડ કપ બાદ અફઘાનિસ્તાન પણ ૬ વન-ડે સિરીઝ રમ્યું છે એમાંથી શરૂઆતમાં શ્રીલંકા સામે હાર્યા બાદ અફઘાન ટીમ સતત પાંચ વન-ડે સિરીઝ જીત્યું છે.
