કાંદિવલી જઈ રહેલો મહેક ઠક્કર કાંજુરમાર્ગ પાસે પડી ગયો હતો
મહેક ઠક્કર
ડોમ્બિવલીથી શુક્રવારે સવારે કાંદિવલી જવા નીકળેલા ૨૯ વર્ષના મહેક ઠક્કરે ડોમ્બિવલીથી ટ્રેન તો પકડી હતી, પણ કાંજુરમાર્ગ પાસે તે ટ્રેનમાંથી પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.
ડોમ્બિવલી-ઈસ્ટના માધવ આશ્રમ બિલ્ડિંગમાં રહેતો મહેક ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું કામ કરતો હતો અને જૉબ કરતો હતો. કાંદિવલીમાં ચાતુર્માસ કરી રહેલા એક જૈન મુનિના કાર્યક્રમનું કામ કરવાનો ઑર્ડર મળ્યો હોવાથી તે કાંદિવલી જઈ રહ્યો હતો. ટ્રેનમાંથી પટકાતાં તેને માથામાં અને પગમાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતનો કેસ હોવાથી પહેલાં તેને મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તેની ગંભીર ઈજાઓ જોતાં ત્યાંના ડૉક્ટરોએ સજેસ્ટ કર્યું કે તેને બીજી વધુ સુવિધાવાળી હૉસ્પિટલમાં લઈ જાઓ. એથી તેને મુલુંડની જ ફોર્ટિસ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ શુક્રવારે સાંજે જ મહેકને સાયન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં મધરાતે ૧૨ વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થયું હતું. ગઈ કાલે સાંજે ડોમ્બિવલીમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

