ઓવલ ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ભારતે ૬૪ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૦૪ રન કર્યા, વરસાદને કારણે બે વાર રોકવી પડી મૅચ : શુભમન ગિલ એક ટેસ્ટ-સિરીઝમાં સૌથી વધુ રન ફટકારનાર એશિયન કૅપ્ટન બન્યો
ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સને પોતાની જ ઓવરમાં જબરદસ્ત થ્રો કરીને ભારતીય કૅપ્ટન શુભમન ગિલને રનઆઉટ કર્યો હતો.
ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચેની પાંચમી ટેસ્ટ-મૅચનો પહેલો દિવસ વરસાદથી પ્રભાવિત રહ્યો હતો. વરસાદને કારણે મૅચ રોકીને લંચ અને સમય પહેલાં ટી-બ્રેક લેવો પડ્યો હતો. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ભારતીય ટીમે પહેલી વાર પાંચ વિકેટ ૩૯.૩ ઓવરમાં ૧૨૩ રને ગુમાવી દીધી હતી. વર્તમાન સિરીઝમાં પહેલી વાર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ભારતનો આ સૌથી ઓછો સ્કોર હતો. આ સિરીઝમાં પહેલી વાર શુભમન ગિલ ૨૧ રન કર્યા બાદ આઉટ થતાં પહેલા દિવસે ભારતનો સ્કોર ૬૪ ઓવરમાં ૬ વિકેટ સાથે ૨૦૪ રન રહ્યો હતો.
ભારતીય ઓપનર્સ યશસ્વી જાયસવાલ (નવ બૉલમાં ચાર રન) અને કે. એલ. રાહુલ (૧૪ બૉલમાં ૩૮ રન) બન્નેએ પહેલી ૧૬ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજી વિકેટ માટે કૅપ્ટન શુભમન ગિલ (૩૫ બોલમાં ૨૧ રન) અને ૬ ફોર ફટકારનાર સાઈ સુદર્શને (૧૦૮ બૉલમાં ૩૮ રન) ૭૪ બૉલમાં ૪૫ રનની ભાગીદારી કરીને એક સમયે ઇનિંગ્સને સંભાળી લીધી હતી. ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સનની ઓવરમાં રન લેવાના ચક્કરમાં શુભમન ગિલે પોતાની વિકેટ ગુમાવી હતી.
ADVERTISEMENT
ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સન (બે વિકેટ) અને જોશ ટૉન્ગ (બે વિકેટ)ની કડક બોલિંગને કારણે અનુક્રમે ધ્રુવ જુરેલ (૪૦ બૉલમાં ૧૯ રન) અને રવીન્દ્ર જાડેજા (૧૩ બોલમાં ૯ રન) સસ્તામાં કૅચઆઉટ થયા હતા. અનુભવી બોલર ક્રિસ વૉક્સ (એક વિકેટ)ને પણ સફળતા મળી હતી.
પાંચમા ક્રમે આવેલા કરુણ નાયરે ૫૨ રન કરીને દિવસના અંત સુધી ઇનિંગ્સ સંભાળી રાખી હતી.
1000
આટલા પ્લસ રન પહેલી વાર એક ટેસ્ટ-સિરીઝમાં બે ભારતીય બૅટર્સે (શુભમન ગિલ અને કે. એલ. રાહુલ) કર્યા છે.
900
પહેલી વાર વાર ઇંગ્લૅન્ડે એક ટેસ્ટ-સિરીઝમાં આટલાથી વધુ ઓવર કરી, ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા અને ભારત સામે ૮૯૮ ઓવર કરી હતી.
3300
આટલા પ્લસ રન કરીને ટીમ ઇન્ડિયાએ એક ટેસ્ટ-સિરીઝમાં પોતાના હાઇએસ્ટ ૩૨૭૦ રનનો વેસ્ટ ઇન્ડીઝ સામેનો ૧૯૭૮-’૭૯નો રેકૉર્ડ તોડ્યો.
400
આટલી પ્લસ બાઉન્ડરી પહેલી વાર ફટકારીને ભારતે પોતાની એક ટેસ્ટ-સિરીઝમાં ૧૯૬૪નો ઇંગ્લૅન્ડ સામેનો ૩૮૪ બાઉન્ડરીનો રેકૉર્ડ તોડ્યો.
રેકૉર્ડબ્રેકર કૅપ્ટન શુભમન ગિલ
વર્તમાન સિરીઝમાં ૭૪૩ રન કરીને શુભમન ગિલ એક ટેસ્ટ-સિરીઝમાં સૌથી વધુ રન કરનાર ભારતીય અને એશિયન કૅપ્ટન બન્યો છે. તેણે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરનો ૧૯૭૮નો વેસ્ટ ઇન્ડીઝ સામેનો ૭૩૨ રનનો રેકૉર્ડ તોડ્યો હતો. એક ટેસ્ટ-સિરીઝમાં હાઇએસ્ટ રન કરનાર કૅપ્ટન્સના લિસ્ટમાં તે હવે ઑસ્ટ્રેલિયાના ડૉન બ્રૅડમૅન (૮૧૦ રન) અને ઇંગ્લૅન્ડના ગ્રેહામ ગૂચ (૭૫૨ રન) બાદ ત્રીજા ક્રમે છે. શુભમન ગિલે ઘરની બહારની ટેસ્ટ-સિરીઝમાં કૅપ્ટન તરીકે હાઇએસ્ટ રન કરવાનો વેસ્ટ ઇન્ડીઝના ગૅરી સોબર્સનો ૧૯૬૬નો ઇંગ્લૅન્ડ સામેનો ૭૨૨ રનનો રેકૉર્ડ પણ તોડ્યો છે.
બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવનમાં થયા ચાર-ચાર ફેરફાર
ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચેની અંતિમ અને પાંચમી ટેસ્ટ-મૅચમાં બન્ને ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ચાર-ચાર ફેરફાર કર્યા છે. ભારતીય ટીમે ઇન્જર્ડ રિષભ પંત, શાર્દૂલ ઠાકુર, અંશુલ કમ્બોજ અને જસપ્રીત બુમરાહના સ્થાને ધ્રુવ જુરેલ, કરુણ નાયર, આકાશ દીપ અને પ્રસિદ્ધ ક્રિષ્ણાને સામેલ કર્યા છે. યજમાન ટીમમાં કૅપ્ટન બેન સ્ટોક્સ, સ્પિનર લિયામ ડોસન અને ફાસ્ટ બોલર્સ જોફ્રા આર્ચર, બ્રાયડન કાર્સને સ્થાને યંગ ઑલરાઉન્ડર જેકબ બેથેલ તથા ફાસ્ટ બોલર્સ ગસ ઍટકિન્સન, જૅમી ઓવરટન અને જૉશ ટૉન્ગને સ્થાન આપ્યું છે.
ભારત : યશસ્વી જાયસવાલ, કે. એલ. રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કૅપ્ટન), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, મોહમ્મદ સિરાજ.
ઇંગ્લૅન્ડ : ઝૅક ક્રૉલી, બેન ડકેટ, ઑલી પોપ (કૅપ્ટન), જો રૂટ, હૅરી બ્રુક, જેકબ બેથેલ, જૅમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ ઍટકિન્સન, જૅમી ઓવરટન, જૉશ ટૉન્ગ.
ઇંગ્લૅન્ડ-ટૂર પર ચાર ભારતીય પ્લેયર્સ ટ્રાવેલિંગ રિઝર્વ બનીને રહી ગયા
ઇંગ્લૅન્ડ ટેસ્ટ-ટૂર પર ભારતીય સ્ક્વૉડના ચાર પ્લેયર્સને એક પણ મૅચ રમવાની તક મળી નહોતી જેને કારણે કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અભિમન્યુ ઈશ્વરન અને નારાયરણ જગદીસન ટ્રાવેલિંગ રિઝર્વ પ્લેયર બની રહ્યા હતા. અનુભવી સ્પિનર કુલદીપ યાદવ ૧૩ ટેસ્ટમાં ૫૬ વિકેટ લઈ ચૂક્યો છે. ભૂતપૂર્વ પ્લેયર્સનાં વારંવાર સલાહ-સૂચન છતાં બૅટિંગ લાઇન-અપને મજબૂત બનાવવાના ચક્કરમાં તેને તક આપવામાં આવી નહોતી. જ્યારે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટેસ્ટ-ડેબ્યુથી વંચિત રહ્યો, જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના શાનદાર બૅટર્સ અભિમન્યુ ઈશ્વરન અને નારાયરણ જગદીસનની ઇન્ટરનૅશનલ ડેબ્યુની રાહ વધુ લંબાઈ ગઈ છે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સળંગ ૧૫મો ટૉસ હારી ટીમ ઇન્ડિયા
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સળંગ ૧૫મો ટૉસ હારીને ભારતીય ટીમે પોતાનો અનિચ્છનીય રેકૉર્ડ આગળ ધપાવ્યો હતો. ભારતીય કૅપ્ટન તરીકે પહેલી પાંચ ટેસ્ટના ટૉસ હારવાના મામલે શુભમન ગિલે કપિલ દેવના રેકૉર્ડની બરાબરી કરી હતી. ૧૪મી વાર પાંચ મૅચની એક ટેસ્ટ-સિરીઝમાં કોઈ ટીમ તમામ ટૉસ હારી છે. ૨૧મી સદીમાં આ બનાવ માત્ર એક વાર ૨૦૧૮માં બન્યો હતો, જ્યારે વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડની ટૂર પર હતી. ઇંગ્લૅન્ડનો કૅપ્ટન ઑલી પોપ પોતાની કૅપ્ટન્સીની પાંચમી ટેસ્ટમાં પહેલી વાર ટૉસ જીત્યો છે.
ઘરની બહાર પાંચમી ટેસ્ટમાં ક્યારેય મૅચ નથી જીત્યું ભારત
ભારતીય ટીમ હાલમાં ઇંગ્લૅન્ડ સામે લંડનમાં પાંચમી ટેસ્ટ-મૅચ રમી રહી છે ત્યારે કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ભારતીય ટીમ વિદેશની ધરતી પર જ્યારે ટેસ્ટ-સિરીઝમાં પાંચમી ટેસ્ટ-મૅચ રમે છે ત્યારે ક્યારેય નથી જીતી. હમણાં સુધી ટીમ ઇન્ડિયાએ ભારતની બહાર ટેસ્ટ-સિરીઝમાં ૧૬ વાર પાંચમી ટેસ્ટ-મૅચ રમી છે જેમાંથી ૧૦ મૅચમાં હાર મળી છે અને ૬ મૅચ ડ્રૉ રહી છે.

