ભારત-પાકિસ્તાન મૅચ પહેલાં વસીમ અકરમે ફૅન્સ અને ક્રિકેટર્સને કરી અપીલ...
વસીમ અકરમ
T20 એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ-વૉલ્ટેજ મુકાબલો ૧૪ સપ્ટેમ્બરે દુબઈમાં યોજાવાનો છે. ૨૧ સપ્ટેમ્બરે સુપર-ફોરમાં બન્ને કટ્ટર હરીફો ટકરાશે એવી અપેક્ષા છે અને બન્ને વચ્ચે એક ધમાકેદાર ફાઇનલ પણ જોવા મળી શકે છે. પાકિસ્તાન માટે હાઇએસ્ટ ૯૧૬ વિકેટ લેનાર ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે મૅચ દરમ્યાન લાગણીઓ અને ઉત્સાહ ખૂબ જ વધી જાય ત્યારે દરેકને સમજદારી બતાવવાની વિનંતી કરી છે.
વસીમ અકરમે કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે ભારત-પાકિસ્તાનની આ ટક્કર અન્ય મૅચોની જેમ મનોરંજક હશે. મને આશા છે કે પ્લેયર્સ અને ફૅન્સ બન્ને શિસ્તબદ્ધ રહેશે અને હદ પાર નહીં કરે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચો વિશ્વભરના અબજો લોકો જુએ છે. જો ભારતીયો દેશભક્ત હોય અને ઇચ્છે કે તેમની ટીમ જીતે તો પાકિસ્તાની ફૅન્સ પણ એ જ ઇચ્છે છે. ભારત હાલમાં વધુ સારા ફૉર્મમાં છે અને ટુર્નામેન્ટની શરૂઆત ફેવરિટ તરીકે કરશે, પરંતુ જે ટીમ પ્રેશરનો શ્રેષ્ઠ રીતે સામનો કરશે એ જીતશે.’

