મૅન આૅફ ધ મૅચ સ્મૃતિ માન્ધનાની માત્ર ૭૭ બૉલમાં રેકૉર્ડ-બ્રેક ૧૨મી સેન્ચુરી : ૩૦ સપ્ટેમ્બરથી શરૂ થનારા વર્લ્ડ કપ પહેલાં હરમનપ્રીત ઍન્ડ કંપનીએ બતાવ્યો દમ
ગઈ કાલે સેન્ચુરી ફટકાર્યા બાદ સેલિબ્રેશન કરતી સ્મૃતિ માન્ધના
રવિવારે પ્રથમ વન-ડેમાં મળેલી હાર બાદ શાનદાર કમબૅક કરતાં ભારતીય ટીમે ગઈ કાલે બીજી મૅચમાં વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને ૧૦૨ રનના રેકૉર્ડ-બ્રેક માર્જિનથી હરાવીને સિરીઝમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી હતી. પ્રથમ મૅચમાં ભારતીય ટીમનો ૮ વિકેટથી પરાજય થયો હતો. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાની સેન્ચુરીના જોરે ભારતીય ટીમે કાંગારૂ ટીમને જીતવા માટે ૨૯૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ઑસ્ટ્રેલિયન ટીમ ૪૦.૫ ઓવરમાં ૧૯૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ૧૦૨ રનથી હાર એ ઑસ્ટ્રેલિયન મહિલા ટીમની વન-ડે ઇતિહાસની રનની દૃષ્ટિએ સૌથી મોટી હાર બની ગઈ હતી.
૩૦મી સપ્ટેમ્બરથી ઘરઆંગણે શરૂ થનારા વર્લ્ડ કપ પહેલાં વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમ સામેના આ પર્ફોર્મન્સને લીધે ભારતીય ટીમનો જુસ્સો ખૂબ જ બુલંદ થઈ ગયો હશે.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયન ટીમે ટૉસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ઓપનરો સ્મૃતિ માન્ધના (૯૧ બૉલમાં ચાર સિક્સર અને ૧૪ ફોર સાથે ૧૧૭ રન) અને પ્રતીકા રાવલ (૩૨ બૉલમાં ૪ ફોર સાથે પચીસ રન)એ ૧૧.૩ ઓવરમાં ૭૦ રનની પાર્ટનરશિપ સાથે ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. ત્યાર બાદ દીપ્તિ શર્મા (૪૦), રિચા ઘોષ (૨૯) અને સ્નેહ રાણા (૨૪)ના ઉપયોગી યોગદાન વડે ભારતીય ટીમે સેકન્ડ લાસ્ટ બૉલે ઑલઆઉટ થતાં પહેલાં ૨૯૨ રનનો ચૅલેન્જિંગ સ્કોર બનાવી લીધો હતો. ઑસ્ટ્રેલિયાએ ભારતીય બૅટરોને કાબૂમાં રાખવા આઠ-આઠ બોલરો અજમાવ્યા હતા.
પાંચ જ ઓવરમાં ઑસ્ટ્રેલિયાએ બન્ને ઓપનરો ગુમાવી નબળી શરૂઆત કરી હતી. ઍલિસ પેરી (૪૪) અને ઍનાબેલ સુથરલૅન્ડ (૪૫) સિવાય કોઈ ઑસ્ટ્રેલિયન બૅટર ભારતીય અટૅક
સામે નહોતો ટકી શક્યો અને ૪૦.૫ ઓવરમાં ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી. ક્રાન્તિ ગૌડને ૩ અને દીપ્તિ શર્માને બે તથા રેણુકા સિંહ, સ્નેહ રાણા, અરુધંતી રેડ્ડી અને રાધા યાદવને એક-એક વિકેટ મળી હતી.
માન્ધના ધી અનસ્ટૉપેબલ
ગઈ કાલે ભારતીય ટીમની વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ કાંગારૂ બોલરોની બરાબરની ધુલાઈ કરી હતી. માન્ધનાએ માત્ર ૭૭ બૉલમાં તેની વન-ડે કરીઅરની ૧૨મી સેન્ચુરી પૂરી કરી લીધી હતી જે ભારતીય બૅટરોમાં સેકન્ડ ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે. ૭૦ બૉલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ પણ માન્ધનાના જ નામે છે જે તેણે આ જ વર્ષે રાજકોટમાં આયરલૅન્ડ સામે ફટકારી હતી.
૭૭ બૉલમાં સેન્ચુરી એ ઑસ્ટ્રેલિયન ટીમ સામે કોઈ ખેલાડીએ ફટકારેલી ફાસ્ટેસ્ટ સેન્ચુરી બની ગઈ હતી. અત્યાર સુધી ૭૭ બૉલનો આ રેકૉર્ડ ઇંગ્લૅન્ડની નૅટ સિવર-બ્રન્ટના નામે હતો.
૧૨મી સેન્ચુરી સાથે તે હવે મહિલા વન-ડેમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનારની યાદીમાં મૅગ લૅનિંગ (૧૫) અને સુઝી બૅટ્સ (૧૩) બાદ ત્રીજા નંબરે પહોંચી ગઈ હતી.
૧૨મી સેન્ચુરી સાથે માન્ધનાએ ઓપનર બૅટર તરીકે વન-ડેમાં સૌથી વધુ સેન્ચુરીનો સુઝી બૅટ્સ અને ટૅમી બ્યુમૉન્ટના રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી.
વન-ડેમાં આ વર્ષની માન્ધનાની આ ત્રીજી સેન્ચુરી હતી. આ સાથે તેણે બે જુદાં-જુદાં કૅલેન્ડર વર્ષમાં ૩ કે એથી વધુ સેન્ચુરી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ હતી. ૨૦૨૪માં તેણે ચાર સેન્ચુરી ફટકારી હતી.
ઇન્ટરનૅશનલ કરીઅરમાં માન્ધનાની આ ૧૫મી (૧૨ વન-ડે, બે ટેસ્ટમાં અને એક T20 ઇન્ટરનૅશનલ્સમાં) સેન્ચુરી હતી. આ સાથે એ મૅગ લૅનિંગની ૧૭ સેન્ચુરી બાદ બીજા નંબરે પહોંચી ગઈ હતી.
બીમાર જેમિમા રૉડ્રિગ્સ સિરીઝમાંથી આઉટ
ભારતીય મહિલા બૅટર જેમિમા રૉડ્રિગ્સ તાવને લીધે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાંથી આઉટ થઈ ગઈ હતી. જોકે આશા રખાઈ રહી છે કે તે ૩૦મી સપ્ટેમ્બરથી શરૂ થતા મહિલા વન-ડે વર્લ્ડ કપ પહેલાં ફિટ થઈ જશે. તેની જગ્યાએ ટીમમાં તેજલ હસબનીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

