૧૩૪ રનના ટાર્ગેટ સામે ભારતે ૫.૧ ઓવરમાં ૫૦/૧નો સ્કોર કર્યો હતો, વરસાદને કારણે મૅચ અટકી અને ભારત DLS મેથડથી ૨૧ રને જીત્યું
કૅપ્ટન હરમનપ્રીત કૌરે ડાઇવ લગાવીને એલિસ પેરીનો શાનદાર કૅચ પકડ્યો હતો.
હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે DLS મેથડથી ૨૧ રને મૅચ જીતીને ૩ T20 મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. નવી કૅપ્ટન સોફી મૉલિનેક્સની આગેવાનીમાં ઊતરેલી કાંગારૂ ટીમ ૧૮ ઓવરમાં ૧૩૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. વરસાદના વિઘ્ન પહેલાં ભારતે ૫.૧ ઓવરમાં ૧ વિકેટે ૫૦ રન કર્યા હતા.
અંતે મૅચ ફરી શરૂ થઈ શકે એમ ન હોવાથી DLS મેથડથી ૨૧ રને ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ભારતે ઑસ્ટ્રેલિયાને ૬ વર્ષ બાદ એના જ ઘરઆંગણે T20માં હરાવ્યું હતું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બન્ને ટીમ ૪ વખત T20 મૅચ રમી છે અને હવે અહીં બન્નેનો T20 રેકૉર્ડ બે-બેથી બરાબર થયો છે.
ADVERTISEMENT
યજમાન ટીમની ઑલરાઉન્ડર જ્યૉર્જિયા વેરહૅમે ૧૯ બૉલમાં ૪ ફોરની મદદથી ૩૦ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ફીબ લિચફીલ્ડે ૨૬ રન અને એલિસ પેરીએ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ પોતાની અંતિમ ૮ વિકેટ ૬૫ રનની અંદર ગુમાવી દીધી હતી. ૪ ઓવરમાં બાવીસ રન આપીને ૪ વિકેટ લઈને પેસ બોલર અરુંધતી રેડ્ડીએ ક્રિકેટ-કરીઅરનું બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું. સ્પિનર શ્રી ચરણી અને પેસ બોલર રેણુકા સિંહ ઠાકુરને પણ બે-બે સફળતા મળી હતી.
વરસાદી વિઘ્ન પહેલાં ભારતીય ઓપનર શફાલી વર્માએ ૧ ફોર, બે સિક્સની મદદથી ૧૧ બૉલમાં ૨૧ રન કર્યા હતા. તેની વિકેટ કૅપ્ટન અને સ્પિનર સોફી મૉલિનેક્સે કૅચઆઉટની મદદથી લીધી હતી. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ૧૭ બૉલમાં ૧૬ રન અને જેમિમા રૉડ્રિગ્સે ૩ બૉલમાં ૯ રન કર્યા હતા. સિરીઝની બીજી મૅચ ૧૯ ફેબ્રુઆરીએ કૅનબેરામાં રમાશે.


