સાઉથ આફ્રિકાની SA20 લીગમાં હેડ કોચ સૌરવ ગાંગુલી અને કૅપ્ટન કેશવ મહારાજના નેતૃત્વમાં પ્રિટોરિયા કૅપિટલ્સ ફાઇનલમાં પહોંચી છે. ૨૦૨૩ની આ રનર-અપ ટીમ બીજી વખત ફાઇનલ મૅચ રમતી જોવા મળશે.
સૌરવ ગાંગુલી અને રવિચન્દ્રન અશ્વિન
સાઉથ આફ્રિકાની SA20 લીગમાં હેડ કોચ સૌરવ ગાંગુલી અને કૅપ્ટન કેશવ મહારાજના નેતૃત્વમાં પ્રિટોરિયા કૅપિટલ્સ ફાઇનલમાં પહોંચી છે. ૨૦૨૩ની આ રનર-અપ ટીમ બીજી વખત ફાઇનલ મૅચ રમતી જોવા મળશે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ આ ટીમ સાથે પોતાની કોચિંગ કરીઅરની શરૂઆત હાર સાથે કરી હતી, પરંતુ ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં ટીમ ટોચની ટીમ બની રહી હતી.
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન રવિચન્દ્રન અશ્વિને હાલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સૌરવ ગાંગુલીના કોચિંગની પ્રશંસા કરતાં લખ્યું હતું કે ‘તેણે એક વાર કહ્યું હતું કે જ્યારે હું મારી આત્મકથા લખીશ ત્યારે એ ધમાલ મચાવી દેશે. તે હાલમાં તેની પ્રિટોરિયા કૅપિટલ્સ ટીમ સાથે સાઉથ આફ્રિકામાં ધૂમ મચાવી રહ્યો છે. તેનું નેતૃત્વ હંમેશાં પ્રેરણાદાયક રહ્યું છે અને કોચ તરીકે તે જરાય અલગ નથી. તે ભારતીય કોચિંગને દુનિયા સમક્ષ લઈ જઈ રહ્યો છે.’
ક્વૉલિફાયર-વનમાં પ્રિટોરિયા કૅપિટલ્સે ત્રણેય સીઝનની ફાઇનલિસ્ટ અને બે વખતની ચૅમ્પિયન ટીમ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપને ૭ વિકેટ માત આપી હતી. ક્વૉલિફાયર-ટૂમાં પાર્લ રૉયલ્સ અને સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપની ટક્કરમાં જે ટીમ વિજેતા બનશે એ ૨૫ જાન્યુઆરીએ SA20ની ફાઇનલ મૅચમાં પ્રિટોરિયા કૅપિટલ્સ સામે ટ્રોફી જીતવાના અંતિમ જંગમાં જોડાશે.


